૧૯,૦૨૪ ફૂટની ઊંચાઈએ કાતિલ ઠંડી અને કઠિન ભૌગોલિક પડકારો પાર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું
સાહસિક પ્રવૃત્તિઓ અને બાઇક રાઇડિંગના ક્ષેત્રમાં ગુજરાતના યુવાનોએ દેશભરમાં રાજ્યનું નામ રોશન કર્યું છે. અમદાવાદના યુવાન પાર્થ પટેલ અને તેમના સાથી બાઇકર્સ ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ ગણાતા લદ્દાખ સ્થિત ૧૯,૦૨૪ ફૂટની ઊંચાઈ પર આવેલા ‘ઉમલિંગ લા પાસ’ સુધીની અત્યંત સાહસિક અને પડકારજનક બાઇક રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
- Advertisement -
લદ્દાખ ક્ષેત્રમાં આવેલા ઉમલિંગ લા પાસ પર બાઇક લઈને પહોંચવું એ દરેક રાઇડર માટે કપરી કસોટી સમાન હોય છે. શૂન્યથી પણ નીચે માઇનસ તાપમાન, ઓક્સિજનની ભારે અછત, બર્ફીલા પવનો અને દુર્ગમ પહાડી રસ્તાઓ વચ્ચે પાર્થ પટેલ અને તેમની ટીમે અડગ મનોબળ સાથે આ સફર પાર પાડી હતી.
આ સફળ સાહસિક અભિયાન પૂર્ણ કરીને પરત ફરેલા રાઇડર્સનું પરિવારજનો અને મિત્રો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્થ પટેલે જણાવ્યું હતું કે, યોગ્ય આયોજન, શારીરિક સજ્જતા અને સાહસિક વૃત્તિના બળે આ કઠિન લક્ષ્ય હાંસલ કરી શકાયું છે. અમદાવાદના આ યુવાનોની સિદ્ધિ રાજ્યભરના સાહસિક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.




