માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા સાથે શાળામાં નિયમિત હાજરી વધારવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
રૂ.46.68 કરોડનું બજેટ : દરેક દીકરી દીઠ વાર્ષિક રૂ.360ની જોગવાઈ
- Advertisement -
રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓની હાજરીમાં વધારો થાય અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા તથા આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર યોજના પાછળ સરકાર દ્વારા રૂ.46.68 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીની દીઠ વાર્ષિક રૂ.360ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ દીકરીઓને દર મહિને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન શાળામાં જ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારની આ પહેલને દીકરીઓના આરોગ્ય અને શિક્ષણ સાથે સીધી રીતે જોડાયેલી યોજના તરીકે જોવામાં આવી રહી છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તથા નારી સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવતી આ વ્યવસ્થાથી દીકરીઓને શાળાકીય જીવનમાં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક મળશે. મફત સેનેટરી નેપકીનના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પરનો આર્થિક બોજ પણ હળવો થશે. બીજી તરફ ઓક્સો – બાયોડિગ્રેડેબલ નેપકીનના ઉપયોગથી પર્યાવરણની જાળવણી તરફ પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ રીતે આરોગ્ય, સ્વચ્છતા, પર્યાવરણ અને દીકરીઓના શિક્ષણ ચારેય પાસાંને આવરી લેતી આ પહેલ રાજ્યની સરકારી શાળાઓમાં કિશોરીઓ માટે સુરક્ષિત અને સન્માનજનક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
શાળામાં જ મળશે નેપકીન, સંકોચ વિના મેળવી શકશે દીકરીઓ
શિક્ષણ વિભાગ દ્વારા મફત સેનેટરી નેપકીનના વિતરણ માટે શાળાઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. દીકરીઓને નેપકીન મેળવવા માટે કોઈ વધારાનો ધક્કો ન ખાવો પડે અને તેમને જાહેરમાં સંકોચ કે શરમ અનુભવવી ન પડે તે માટે શાળામાં જ સુવિધાસભર વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ખાસ કરીને કિશોરીઓ માસિક ધર્મ જેવી સ્વાભાવિક શારીરિક પ્રક્રિયા અંગે ખુલ્લેઆમ વાત કરી શકે અને જરૂરી માર્ગદર્શન મેળવી શકે તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પણ શાળાઓને સોંપવામાં આવી છે.
- Advertisement -
મહિલા શિક્ષક બનશે નોડલ શિક્ષક
મફત સેનેટરી નેપકીનના વિતરણ અને સમગ્ર વ્યવસ્થાની દેખરેખ માટે દરેક શાળામાંથી મહિલા શિક્ષકને નોડલ શિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવશે. નોડલ શિક્ષક દીકરીઓને નેપકીનનું સરળતાથી વિતરણ થાય તેની દેખરેખ રાખશે તેમજ માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન આપશે. મહિલા શિક્ષક દ્વારા કન્યાઓને માસિક ધર્મ અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે. આ દરમિયાન માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ, ભય અને અંધશ્રદ્ધા દૂર થાય તથા દીકરીઓમાં પોતાના આરોગ્ય અંગે જાગૃતિ અને આત્મવિશ્વાસ વધે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવશે.
સ્વચ્છતા સાથે દીકરીઓના શિક્ષણ પર ભાર
સરકારની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર સેનેટરી નેપકીનનું વિતરણ કરવાનો નથી, પરંતુ માસિક ધર્મના દિવસોમાં દીકરીઓ શાળાથી દૂર ન રહે અને તેમનું શિક્ષણ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો પણ છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક કે સામાજિક કારણોસર માસિક ધર્મ દરમિયાન શાળામાં ગેરહાજરી નોંધાવતી કન્યાઓ માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માસિક ધર્મને કારણે શાળામાં ગેરહાજરી ઘટે તો દીકરીઓનું શિક્ષણ સતત ચાલુ રહેવાની સાથે શાળામાં તેમનું સ્થાયીકરણ પણ વધશે. પરિણામે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને વધુ વેગ મળવાની શક્યતા છે.
અસ્વચ્છ કાપડના ઉપયોગથી થતા જોખમથી પણ રક્ષણ
માસિક ધર્મ દરમિયાન યોગ્ય સ્વચ્છતા ન જળવાય તો વિવિધ પ્રકારના ચેપ અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ માટે ગુણવત્તાયુક્ત સેનેટરી પેડનો નિયમિત ઉપયોગ પડકારરૂપ બનતો હોય છે. મફત અને ગુણવત્તાયુક્ત સેનેટરી નેપકીન ઉપલબ્ધ થવાથી આવી દીકરીઓને વધુ સુરક્ષિત અને સ્વચ્છ વિકલ્પ મળશે. સાથે જ માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન મળવાથી વ્યક્તિગત સ્વચ્છતા અંગે તેમની સમજ પણ વધુ મજબૂત બનશે.
વપરાયેલા પેડના નિકાલ માટે પણ કડક સૂચના
શિક્ષણ વિભાગે સેનેટરી નેપકીનના વિતરણ સાથે તેના યોગ્ય નિકાલને પણ મહત્વ આપ્યું છે. શાળાઓએ વપરાયેલા નેપકીનનો નિકાલ ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016’ મુજબ કરવાનો રહેશે. વપરાયેલા પેડને કાગળમાં લપેટીને ભીના અને સૂકા કચરાથી અલગ રાખવા તેમજ તેને ખુલ્લામાં કે ટોયલેટમાં ન ફેંકવા માટે સૂચના આપવામાં આવી છે. વપરાયેલા પેડને સ્થાનિક કચરા સંગ્રહ વ્યવસ્થાને સોંપવાની રહેશે. આ ઉપરાંત જે શાળાઓમાં સેનેટરી પેડના નિકાલ માટે ઈન્સિનીરેટર મશીન ઉપલબ્ધ છે ત્યાં તે સતત કાર્યરત રહે અને સમયાંતરે તેની યોગ્ય સર્વિસ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે.




