બે દિવસની સારવાર બાદ પણ બચી ના શક્યો, જિલ્લાનો પ્રથમ કિસ્સો : અત્યાર સુધીમાં કુલ 15નાં મોત
સંક્રમિત વિસ્તારોના 50 ઘરની આજુબાજુ ડસ્ટિંગ, સ્પ્રે અને સર્વેલન્સની કામગીરી પૂર્ણ
- Advertisement -
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના પાંચ વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ૩૦ જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ ૧૫ બાળકના મોત થયા છે. મળતી માહિતી મુજબ, સાણોદરડા ગામના પાંચ વર્ષીય. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. ધારપુર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો આ પાટણ જિલ્લાનો પ્રથમ કિસ્સો છે. આગામી સમયમાં આવા કેસ ન નોંધાય તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી હાથ ધરે તેવી માગ ઉઠી છે.
આ ઉપરાંત, સમી તાલુકાનું વધુ એક બાળક ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યુ છે. જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૨૭મી તારીખે સમી તાલુકાના તારોરા ગામ અને સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. આ પૈકી સાણોદરડાના દર્દીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેનું અવસાન થયું છે; જ્યારે તારોરા ગામના દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં હાલ સુધારો આવી રહ્યો છે. મુખ્યત્વે જૂના કાચા ઘરોમાં રહેતી ‘સેન્ડફ્લાય’ માખી દ્વારા નાના બાળકોમાં ફેલાતા આ વાયરસના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો અને બેચેનીનો સમાવેશ થાય છે.




