આશ્રમો અને મંદિરોમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુના નાદ સાથે શ્રધ્ધાળુઓ-શિષ્યો ઉમટી પડ્યા
આજે પવિત્ર અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમરમાં શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.
‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ’ના મંત્રોચ્ચાર સાથે સવારથી જ તમામ મુખ્ય આશ્રમો, ધાર્મિક સ્થળો અને મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ ચરણ પાદુકા પૂજન માટે ભક્તોની ભારે ભીડ જામી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ગુરુ આશ્રમ ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં સીસ નમાવવા માટે અસંખ્ય ભક્તો ઉમટી પડ્યા છે, જ્યારે જુનાગઢ સ્થિત ગિરનાર મંડળ, પરબધામ તેમજ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ અને વીરપુર જલારામ મંદિર ખાતે પણ વહેલી સવારથી મહાઆરતી, ગુરુ પૂજન અને મહાપ્રસાદના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં પણ ગુરુ પૂર્ણિમા પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. રામકૃષ્ણ આશ્રમ, રણછોડદાસ બાપુ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર સહિતના સ્થાનોમાં ખાસ ગુરુ પૂજન અને ધાર્મિક સભાઓનું આયોજન કરાયું છે. તો વિવિધ સ્વામિનારાયણ મંદિરે હરિભક્તો દ્વારા સંતો-મહંતોના આશીર્વાદ મેળવીને સત્સંગ સભા યોજવામાં આવી છે. શહેરની વિવિધ શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો અને ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પૂજન વિધિ હાથ ધરી હતી. માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સેવાની પરંપરાને જાળવી રાખીને સૌરાષ્ટ્રના વિભિન્ન આશ્રમો ખાતે ભંડારા તેમજ રક્તદાન શિબિરો અને મેડિકલ કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સંતોએ સંદેશ આપ્યો હતો કે, ગુરુ એ કેવળ વ્યક્તિ નથી પરંતુ શિષ્યના જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરતી દિવ્ય ચેતના છે.




