એક સહયોગ… એક આશા… એક જીવન
રાજકોટના રઘુવંશી યુવાન સ્મિત પોપટ હૈદરાબાદની એપોલો હેલ્થ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ
- Advertisement -
અત્યાર સુધીમાં સ્મિતની સારવાર પાછળ 20 લાખથી વધુનો ખર્ચ થઇ ચૂક્યો છે
જીવનની છેલ્લી લડાઈ લડી રહેલા સ્મિતની સારવાર માટે વધુ 30 લાખની જરૂર
રાજકોટના મૂળ નિવાસી અને રઘુવંશી સમાજના યુવાન સ્મિત પોપટ હાલ જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. હૈદરાબાદની જુબિલી હિલ્સ સ્થિત એપોલો હેલ્થ સિટી હોસ્પિટલના ICUમાં તેમની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. સતત વધી રહેલા સારવારના ખર્ચને પહોંચી વળવું હવે તેમના માટે અતિ મુશ્કેલ બનતાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સમગ્ર રઘુવંશી સમાજ, રાજકોટવાસીઓ તેમજ ગુજરાતની ઉદાર જનતાને આર્થિક સહયોગ માટે ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે. સૌથી વધુ કરુણ બાબત એ છે કે સ્મિતના પરિવારમાં માતા, પિતા, ભાઈ કે બહેનમાંથી કોઈ જ હયાત નથી. તેમના જીવનમાં હાલમાં માત્ર એક કાકા જ પરિવાર તરીકે સાથે છે. આવી મુશ્કેલ ઘડીમાં મિત્રો, સગા અને શુભેચ્છકો જ તેમના માટે આશાનું કિરણ બન્યા છે.
- Advertisement -
સ્મિત પોપટ ચેતાઓની ગંભીર નબળાઈ જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીની અસર તેમના શરીરના ચારેય અંગો પર થઈ છે, જેના કારણે તેઓ ICUમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સારવાર માટે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 20 લાખથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ ખર્ચ સ્મિતના મિત્રો, તેમના કાકા તેમજ સ્મિત જે ઓફિસનું સંચાલન કરતા હતા તેના માલિક હેનરીભાઈ જોબનપુત્રા દ્વારા ઉપાડવામાં આવ્યો છે. જોકે હવે હોસ્પિટલમાં સારવારનો દૈનિક ખર્ચ રૂ. 1 લાખથી વધુ થઈ રહ્યો છે અને હોસ્પિટલ દ્વારા આગામી સારવાર માટે અંદાજે રૂ. 30 લાખનું નવું એસ્ટિમેટ આપવામાં આવ્યું છે.
પરિવાર દ્વારા સરકારી સહાય મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્મિતના કાકાએ પીએમ કેર ફંડમાં આર્થિક સહાય માટે અરજી કરી છે, પરંતુ સારવારની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જનસહયોગ જ હાલમાં સૌથી મોટો આધાર બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. રઘુવંશી યુવા શક્તિ સંઘે જણાવ્યું છે કે સમાજ અને જનતાની નાની-મોટી દરેક મદદ એક યુવાનનું જીવન બચાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે. દાતાઓને કેસની સત્યતા અંગે ખાતરી કરવા માટે એડવોકેટ કેયુરભાઈ રૂપારેલ તથા નિખિલભાઈ પોપટ (રૂપમ ગ્રુપ)નો સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આર્થિક સહયોગ માટે હોસ્પિટલ સાથે જોડાયેલા Impact Guruના QR કોડ મારફતે દાન કરી શકાય છે. વધુ માહિતી માટે હેનરીભાઈ જોબનપુત્રા (મો. 98245 30051)નો સંપર્ક કરી શકાય છે. રઘુવંશી યુવા શક્તિ સંઘે સમાજ અને જનતાને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તેમજ પોતાની શક્તિ મુજબ નાનું કે મોટું યોગદાન આપી એક યુવાનનું જીવન બચાવવાના આ માનવતાના કાર્યમાં સહભાગી બનવાની હૃદયસ્પર્શી અપીલ કરી છે.
રાજકોટના દરેક નાગરિકને અપીલ : “આપનો એક રૂપિયો… સ્મિત માટે જીવનની નવી આશા”
રા
જકોટમાં વસતા લાખો નાગરિકો જો માત્ર રૂ.1નું પણ યોગદાન આપે, તો ગંભીર બીમારી સામે જીવન માટે લડી રહેલા યુવાન સ્મિત પોપટની સારવાર માટે જરૂરી રૂપિયાની વ્યવસ્થા કરવી અશક્ય નથી. આજે સ્મિત હોસ્પિટલના ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. મિત્રો અને શુભેચ્છકોએ અત્યાર સુધી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવ્યો છે, પરંતુ હવે આગળની સારવાર માટે સમગ્ર સમાજના સહયોગની જરૂર છે. એક વ્યક્તિ માટે રૂ|.1 કે રૂ.100 કદાચ નાની રકમ હશે, પરંતુ હજારો લોકોની નાની-નાની મદદ મળીને એક યુવાનને નવું જીવન આપી શકે છે. આપણી ક્ષમતા મુજબનું નાનું કે મોટું યોગદાન આપી સ્મિત માટે આશાનું કિરણ બનીએ. આજે આપેલી આપણી મદદ કદાચ આવતીકાલે કોઈના ઘરમાં ફરીથી સ્મિત પરત લાવી શકે છે.




