વોર્ડ નં. 6ના સિતારામ રોડ-ગિરનારી શેરી વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યા યથાવત
સ્થાનિકોનો વોટરવર્ક્સ વિભાગ સામે આક્રોશ, તાકીદે નિરાકરણ લાવવા ઉઠતી માગ
- Advertisement -
રાજકોટ શહેરના વોર્ડ નં. 6 હેઠળ આવેલા બેડીપરા વિસ્તારના ગિરનારી શેરી, વેરાઈ નિવાસ અને સિતારામ રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી નળમાં પૂરતા ફોર્સથી પાણી મળતું નથી, જેના કારણે રોજિંદા ઘરેલુ કાર્યોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઓછા ફોર્સની સમસ્યા ઉપરાંત વિસ્તારમાં નળ મારફતે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પણ આવી રહ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા ખરાબ હોવાથી લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું હોવાનું રહેવાસીઓનું કહેવું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે, વોર્ડ નં. 6ના વોટરવર્ક્સ વિભાગના કર્મચારીઓ સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ તો કરે છે, પરંતુ સમસ્યાના નિવારણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કર્મચારીઓમાં મયંક ગજેરા સહિતના અધિકારીઓ અને સ્ટાફને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે, પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે વારંવાર રજૂઆતો કરવી પડે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. હાલ વરસાદી મોસમ દરમિયાન ગંદુ પાણી આવવાથી પાણીજન્ય રોગચાળાનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ઓછા ફોર્સ અને ગંદા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે, જેથી લોકોને શુદ્ધ અને પૂરતા દબાણથી પીવાનું પાણી મળી શકે.




