2024માં કાર્યવાહી થઈ હોત તો આજે વિદ્યાર્થીઓને આ હાલત ન જોવી પડત : પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે NEET પેપર લીક પ્રકરણ, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે વર્ષ 2024માં રાજ્યસભામાં NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સરકારે યોગ્ય અને કડક પગલાં લીધા ન હોવાથી આજે સમગ્ર દેશના વિદ્યાર્થીઓને તેની ગંભીર અસર ભોગવવી પડી રહી છે. NEET પેપર લીક બાદ દેશમાં 12 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે એક 12 વર્ષની દીકરી ICUમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે, જે અત્યંત દુઃખદ અને ચિંતાજનક બાબત છે. પેપર લીક બાદ અનેક વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડી હતી, જેના કારણે તેમના પર ભારે માનસિક દબાણ સર્જાયું અને તેમના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા ઊભી થઈ.
શક્તિસિંહ ગોહિલે સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર ચર્ચા માટે આમંત્રણ તો આપે છે, પરંતુ એવી પરિસ્થિતિ અને સમયે બોલાવે છે કે જેમાં વિપક્ષને યોગ્ય રીતે તૈયારી કરવાની કે ચર્ચામાં અસરકારક રીતે ભાગ લેવાની તક જ મળતી નથી. તેમણે કહ્યું કે સરકારનો અભિગમ લોકશાહી ચર્ચાને પ્રોત્સાહન આપવાને બદલે વિપક્ષનો અવાજ દબાવવાનો છે. કોંગ્રેસ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને તેમની વચ્ચે જશે અને તેમના હક્ક માટે લડશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. NEET પેપર લીક અંગે બોલતા ગોહિલે દાવો કર્યો કે વર્ષ 2024ના કૌભાંડમાં ભાજપના કેટલાક નેતાઓના નામ પણ સામે આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ગોધરામાં પેપર લીકના કેસમાં કલેક્ટરને CCTV ફૂટેજ મળ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમણે આ મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ પણ ઉલ્લેખતાં રાજકીય પ્રહારો કર્યા.
- Advertisement -
પ્રદર્શન અને અટકાયતના મુદ્દે ગોહિલે કહ્યું કે વિરોધ કરવો એ દરેક નાગરિકનો બંધારણીય અને મૂળભૂત અધિકાર (Fundamental Right) છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના નિવાસસ્થાન સામે વિરોધ કરવો ક્યાંય કાયદેસર રીતે પ્રતિબંધિત નથી. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન પણ ભાજપે તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના નિવાસસ્થાન બહાર બોફર્સ મુદ્દે વિરોધ કર્યો હતો. બોફર્સ મુદ્દાનો ઉલ્લેખ કરતાં ગોહિલે જણાવ્યું કે બાદમાં કારગીલ યુદ્ધ દરમિયાન એ જ બોફર્સ તોપ દેશ માટે ઉપયોગી સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે લોકશાહીમાં વિરોધને દબાવવાને બદલે તેનો જવાબ સંવાદથી આપવો જોઈએ. સોનમ વાંગચુકના મુદ્દે તેમણે કહ્યું કે જ્યારે લોકો ગંભીર સ્થિતિમાં પહોંચે છે ત્યારે પણ જો જવાબદાર લોકો રાજીનામું આપતા નથી, તો તે સરકારની સંવેદનહીનતા દર્શાવે છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત અંગે તેમણે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે વિરોધ કરનારાઓને જેલમાં પૂરવાથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. તેમણે ધાર્મિક સંદર્ભ આપતાં કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને પણ કંસે જેલમાં નાખ્યા હતા, પરંતુ સત્યને ક્યારેય કેદ કરી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ વ્યક્તિની તુલના કંસ કે અંગ્રેજો સાથે કરતા નથી, પરંતુ વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ લોકશાહી માટે યોગ્ય નથી. અંતમાં શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા, પેપર લીક જેવા કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા અપીલ કરી હતી.




