કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
થોડા સમય પહેલા એક એપ લોન્ચ થઈ.. એનું નામ ‘ડીલક્સ સલૂન’ એપ.. નામ ઉપરથી તો કોઈ સલોન શોધવાની એપ લાગે પણ એમ છે નહિ.
આ એપ છે આપણે વરસોથી જે સુમધુર કર્ણપ્રિય ગીતોને હેર સલૂનમાં સાંભળતા આવ્યા છીએ એ ગીતો સાંભળવાની/માણવાની એપ !!
સર્ચ કરશો તો કમસે કમ આવી ડઝન એક એપ્સ અને વેબસાઇટ્સ મળશે જેમાં આ એંસી નેવુંના દાયકાના ગીતો માણવા મળે.. આ ગીતો એ સમયના છે જ્યારે ફિલ્મી ગીતોમાં ઘોંઘાટ કે સુફિને નામે પીરસાતું બોરિંગ સંગીત હજી
પ્રવેશ્યું નહોતું.
ધુરંધરના બેય ભાગોમાં આ કેસેટ સમયના ગીતોને જ તો અંજલિ અપાઈ હતી !!
‘હવા હવા એ હવા…’ ‘હમ પ્યાર કરને વાલે, દુનિયા સે ના ડરને વાલે…” હોય કે “તમ્માં તમ્માં ..” જેવા ગીતોએ જે ટેસડો કરાવ્યો એનો હેંગ ઓવર હજી લોકોને છે.. હજી પણ “ઓયે ઓયે” કે “ગલી ગલી મે ફિરતા હૈ…” અને “સાત
સમંદર પાર…” જેવા ગીતોના રીમેક ધૂમ મચાવે છે. યારા દિલદાર જેવી ફ્લોપ ફિલ્મનું ગીત “બિન તેરે સનમ..” હજી લોકો ગણગણે છે.. “નીલે નીલે અંબર પર..’ના તો કેટલાય રિમિકસ વર્ઝન આવ્યા ને બધા જ સુપ્પ..ર્બ !
આ ગીતો ખૂબ કર્ણપ્રિય હતા. ગાવા વાળા ઉદિત નારાયણ કે કુમાર સાનુ જેવા ગાયકો ખાસ શાસ્ત્રીય રીતે તાલીમબધ્ધ ગાયકો નહોતા.. મ્યુઝિક આપવા વાળા ય કોઈ જાણકાર વિદ્વાનો નહોતા..(બર્મન, કલ્યાણજી આણંદજી, શંકર
જયકિશન, અન્નુ મલિક, જતીન લલિત — બધાએ યથાશક્તિ ગીતો ઠેર ઠેરથી પ્રેરણા લઈને બનાવેલા હતા એ તો હવે .. એમ છતાં આ બધા ગીતો અત્યંત સુમધુર, કર્ણપ્રિય અને ચિરંજીવી બન્યા.. આજના ગીતો એટલા લોંગ
લાસ્ટિંગ નથી બનતા.. બે દિવસ ચાલે ને ત્રીજે દિવસે તો એ ગીતથી ઉબાઈ જવાય.. અરિજિત સિંહ જેવો કાબેલ કલાકાર હોય કે શ્રેયા ઘોષાલ જેવી ટ્રેઇન્ડ ગાયિકા હોય.. એમના ગીતો પેલા કિશોર કુમાર કે ઉદિત નારાયણ કે
સોનું નિગમના ગીતો જેવી જમાવટ કરતા નથી..
બહુ સાદી ભાષામાં કહીએ તો આ ગીતો જનસામાન્યને એટલી અપીલ નથી કરતા જેટલી એમને જૂના ગીતો હજુ પણ કરે છે..
આનું શું કારણ ??
આજના ગીતોમાં એવો કોઈ કસ નથી દેખાતો એનું કારણ છે કે આ ગીતો જમીનથી અળગા છે.. જૂના સુમધુર ગીતોના મૂળ લોકગીતોમાં હતા.. સંગીતકારો લોકગીતોમાંથી પ્રેરણા લઈને સંગીત રચતા… અમુક સંગીતકારોને
અરબી લોકગીતો ફેવરિટ હતા, તો અમુકને પંજાબી લોકગીત.. બર્મન દા અને બપ્પી લહેરી જેવા સંગીતકારોએ બંગાળી ગીતોમાંથી સંગીત સજર્યું.. અમુકે વળી છેક યુરોપ અને અમેરિકા સુધી નજર દોડાવીને ત્યાંના ગીતોને
ભારતીય ઢાળ આપીને પીરસ્યા..
બલમ પિચકારી, જુગણી, રંગ બરસે જેવા ગીતો મૂળ લોકગીતો છે એની બહુ ઓછાં લોકોને ખબર હશે. જુગની, કમલી જેવા શબ્દો પણ ઊંડો અર્થ ધરાવે છે.. જૂગણી શબ્દ નો અર્થ થાય જોગણી.. જૂના સમયે ઉત્તર ભારતમાં
વસતિ ગૃહસ્થ યોગી પ્રકારની જાતિઓમાં યોગ માર્ગનું આચરણ કરવામાં આવતું .. આથી પતિ પત્ની પોતાને જોગી અને જોગણી કહે.. (મૂળ શબ્દ યોગી અને યોગિની).. આથી ગુપ્ત માર્ગી સંતોએ જે ગૂઢ વચનો અને ભજનો
રચ્યા એમાં જૂગણી અને કમળી જેવા શબ્દો આવે.. જોગી શબ્દ પણ આવે જેના મૂળ પણ છેક આ પરંપરા સુધી લંબાય છે.. આ બધા ગીતો કોઈ ગોપ (પશુપાલકે) તો કોઈ ખેડુએ તો કોઈ કારીગરે ગાયેલા છે.. એની રચના કોણે
કરી, એમાં સંગીત કોણે નાખ્યું એની કોઈને ખબર નથી પણ આ ગીતો સતત લોકોને ગમતા આવ્યા છે..
મહાન સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર કહેતા કે લોક સંગીતમાંથી શાસ્ત્રીય સંગીત નીપજ્યું છે.. શાસ્ત્રીય સંગીત ભલે ઉચ્ચ કક્ષાનું ગણાય પણ એને સમજવા માણવા વાળો વર્ગ સાવ નાનો છે. જ્યારે લોક સંગીત લોકોનું
સંગીત છે.. એને લોકોએ રચેલું છે અને તે ચિરંજીવી છે. એને જીવાડવા પ્રયાસ નથી કરવા પડતા. નાના છોકરાને પણ પૂછશો તો તે કોઈ ફિલ્મી ગીત ગણગણી શકશે..કેમકે તે લોક પ્રચલિત છે. અનેક રાગો પણ મૂળ લોક
સંગીતની દેન છે! સોરઠ નામનાં રાગનું મૂળ સૌરાષ્ટ્રમાં છે તો બિલાવલ રાગનું મૂળ “વેરાવળ”માં છે (મૂળ શબ્દ વેદફલી!!).. ગુર્જર જાતિમાં પ્રચલિત લોકગીતોનો રાગ હતો એમાંથી ગુર્જર તોડી રાગ આવ્યો છે.. સિંધ પ્રદેશમાં જે
રાગના ગીતો હતા એને સિંધુ રાગ કહ્યો.. તેલંગ (તેલંગાણા) અને ગૌડ (આજનું બંગાળ) દેશમાં ગવાતા લોકગીતો ઉપરથી તિલંગ અને ગૌડ સારંગ રાગો આવ્યા છે.. મુલતાન ઉપરથી મુલતાની રાગ છે.. અહીરોમાં પ્રચલિત ધુનો
ઉપરથી આહીર ભૈરવ રા ઉપજ્યો છે.. કલિંગ જાતિના ગીતો પરથી કલિંગડો રાગ બન્યો છે.. માલવ નામની પ્રાચીન જાતિએ માલવ અને માલવ કૌશિક (માલકૌંસ) રાગ આપ્યા છે!!
બલોચસ્તાનમાં હીંચ રાગ ઉપર આજે પણ રાસ જેવું નૃત્ય કરવામાં આવે છે. સંગીતમાં ગાંધર્વ સંગીત (કલાસિકલ) અને દેશી સંગીત એમ બે ભાગ પડેલા છે. સામવેદમાં રહેલા સામ ગાન માં ગાંધર્વ સંગીત છે. અરબીમાં પણ
સામ શબ્દ સાંભળવા સાથે સંકળાયેલો છે. સુંદર ગાવા વાળાને સામી કહેવાય છે આથી પાકિસ્તાનમાંથી અહીંયા ઠરીઠામ થયેલા એક બહતરીન ગાયક અદનાનની અટક સામી છે. પણ દેશી સંગીતે તો ગાંધર્વ સંગીતને ઉભુ કર્યું
છે. ગાંધર્વ સંગીત એટલે કે કલાસિકલ મ્યુઝિક ધીમે ધીમે લોકોમાં ઓછું ચલણી બન્યું. કેમકે એમાં પાંડિત્યનું પ્રદર્શન વધ્યું. જ્યારે લોકસંગીત ગમે તે સ્વરૂપે લોકોને મળતું રહ્યું, લોકોને ગમતું રહ્યું.. પ્રજા અને કલાસિકલ મ્યુઝિક
વચ્ચે જે અંતર પડયું તે કદી બુરાયું નથી. પ્રજાને લોકસંગીત હમેશા પ્રાણ પ્યારું રહ્યું છે.
હિન્દી ફિલ્મોમાં હમણાં સુધી જે ગીતો બન્યા એના મૂળ કોઈને કોઈ લોકસંગીત સાથે હતા એટલે લોકોને આ ગીતો અત્યંત ગમ્યા.. નુસરત ફતેહ અલી ખાન ભલે ખૂબ ઊંચા પ્રકારની હરકતો કરી કરીને ગાય પણ એમના ગીતોના
ઢાળ લોક સંગીતના હતા. એટલે લોકોએ એને ખૂબ પ્રેમ આપ્યો.
ભારતનો લોકસંગીતનો વારસો ભવ્ય અને સુદ્રઢ છે. હિન્દી ફિલ્મોએ ઘણે અંશે એને જીવિત રાખ્યો છે. જે ગીત કાને પડે અને ગમી જાય અને સદા ગમતું ગમતું રહે રહે તે ક્યાંક ને ક્યાંક લોકસંગીત સાથે જોડાયેલું હશે તે ચોક્કસ
માનજો.




