શૈલેષ સગપરિયા : શૈલવાણી
નેપોલિયન બોનાપાર્ટ પોતાની પત્નીને સાથે લઈને એક સાંજે નગરમાં ફરવા માટે નીકળ્યો. એક નાની એવી ગલીમાંથી એ પસાર થઈ રહ્યો હતો. એણે જોયું કે સામેથી એક મજૂર માથા પર મોટો ભારો લઈને આવી રહ્યો હતો. જેવો પેલો મજૂર નજીક આવ્યો કે નેપોલિયન એના રસ્તામાંથી ખસી ગયો અને એ મજૂરને જવા દીધો. નેપોલિયનની પત્નીને આ મજૂર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. એમણે નેપોલિયનને કહ્યું, તમારે આ મજૂરને સજા કરવી જોઈએ. એને એટલી સામાન્ય સમજ પણ નથી કે રાજાનો આદર કરવો જોઈએ અને રાજાને નમન કરીને રસ્તો આપવો જોઈએ. નમનની વાત તો એક બાજુ રહી, આ માણસે તો આપને રસ્તો પણ ન આપ્યો.
નેપોલિયને પોતાની પત્નીને સમજાવતા કહ્યું, તારી વાત સાચી છે. દરેક નાગરિકની ફરજ છે કે એ એના સમ્રાટને માન-સન્માન અને આદર આપે. પણ તેં જોયું, એ માણસ પોતાના માથા પર મોટો ભારો લઈને આવતો હતો. એ શ્રમનો પૂજારી હતો. હું સ્પષ્ટપણે માનું છું કે, શ્રમનો આદર સમ્રાટના આદર કરતા મહત્ત્વનો છે. માટે, મેં શ્રમનો આદર કરીને સામેથી એમને રસ્તો આપી દીધો.
ફોર વ્હિલર કે ટુ વ્હિલર લઈને સમ્રાટની જેમ ફરવા નિકળેલા આપણે હાથલારીવાળાને નેપોલિયન જેવો આદર ન આપી શકીએ !
- Advertisement -
આનંદ આપણો ઉપભોગ કરે છે. શ્રમ આપણને સામર્થ્યવાન બનાવે છે. -બોદલેયર




