કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
અંગ્રેજીમાં રાજા માટે જે કિંગ શબ્દ છે તે સિંહ શબ્દ ઉપરથી આવેલ છે. સિંહને કેસરી પણ કહેવાય એટલે કેસરી ઉપરથી સીઝર (જુલિયસ સીઝર વાળું સીઝર), કેઝર (કૈઝરે હિંદ વાળું કૈઝર) અને પછી ઝાર (tsar – રશિયાનો રાજા) શબ્દો આવ્યા છે..
- Advertisement -
પણ સિંહને કેસરી કેમ કહેવાય છે??
સિંહને એના કલર ઉપરથી કેસરી નથી કહેવાતો , એને એના વાળ ઉપરથી કેશરી કહેવાય છે. આકર્ષક કેશ ધારણ કરવા વાળો કેશરી.. પછી તો સિંહના ઘાટા પીળા રંગ પરથી કેસરી રંગનું નામ આવ્યું .. રાજપૂતો જ્યારે નીચ લુંટારાઓ સામે યુદ્ધે ચડતા ત્યારે લૂંટારાઓને ભારે પડી જતાં. આ રાજપુતી યુદ્ધને કેસરિયા કહેવાતું. કેમકે એમાં રાજપૂતો કેસરી પાઘ બાંધીને કેસરી વસ્ત્રો પહેરીને શત્રુઓને નાથી દેતા.
કેસરના ફૂલમાં જે વાળ એટલે કે કેશ જેવો ભાગ આવે એ કેસરના ફૂલનો સ્ત્રિકેસર નો ભાગ છે અને વળી આ તાંતણા ને પાણી કે દૂધમાં નાખો એટલે એકદમ કેસરી રંગ પણ પકડે !! એટલે નામ કેસર !
રાજસ્થાનમાં કેસરિયાજી નામનું સ્થળ છે જે આદિનાથ ઋષભનાથજીનું પ્રાચીનધામ ગણાય છે. ઋષભનાથજી એક જ એવા તીર્થંકર હતા કે જેને માથે કેશ હતા. આથી કેશરિયાજીમાં એમની મૂર્તિમાં વાળ છે. જટા છે. જટાધારી ભગવાન શિવનું ચિત્ર ૠષભનાથજી પરથી આવેલું છે અન્યથા ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે થતી હતી. ઋષભનાથજી આદિનાથ એટલે કે શિવના અવતાર ગણાય છે.
જૈન પરંપરામાં વિરક્તિ (વૈરાગ્ય) નું બહુ મહત્વ હોવાથી એમાં લુંચન નું બહુ મહત્વ છે. લુંચન એટલે હાથથી માથાના કે ચહેરાના વાળ ખેંચીને કાઢવાની ક્રિયા. જૈન મતમાં લાંબા વાળ નથી રાખવામાં આવતા એમ વૈષ્ણવ મતમાં પણ લાંબા વાળ નિષેધ છે એટલે જૈન કે વૈષ્ણવ /સ્વામિનારાયની સાધુ સન્યાસી કદી લાંબા વાળ વાળા નહિ જોવા મળે.
આ વૈરાગ્ય વાદી શૈવ મતોની સામે શક્તિ વાદી મતો છે જેમાં હમેશા લાંબા વાળ જ રાખવામાં આવે છે.આથી ધાર્મિક સિરિયલોમાં જોયું હશે તો તમામ ઋષિઓ દાઢી અને લાંબા વાળની અંબોડી વાળા દેખાશે. કેમકે એ જૈન મુનિ નથી પણ શક્તિ વાદી ઋષિ છે..
- Advertisement -
શીખ મતમાં પણ એટલે જ લાંબા વાળ અને દાઢીની પ્રથા છે કેમકે એકદમ વૈરાગી અહિંસક બની ગયેલા હિન્દુઓને શક્તિ વાદી લડાયક બનાવવા માટે એમાં લાંબા વાળ અને દાઢી રાખવાની પ્રથા દાખલ કરવામાં આવેલી, ચંડી દિ વર એટલે કે માતા ચામુંડા ની વાર્તા પણ આરંભ કરવામાં આવેલી. આથી અહિંસક બની ગયેલા હિંદુઓ પુનઃ શક્તિ વાદી બનીને લડાયક બને.
એનિમલ અને ધુરંધર બેય ફિલ્મો પણ અમુક ખટસવાદીયા લબાડ લોકોને એટલે જ નથી ગમી કે એ બેય ફિલ્મોમાં નાયકો (હા ભાઈ હીરો) ખુલ્લા લાંબા વાળ રાખે છે. બેય ફિલ્મોમાં શીખ મત એ પ્રાચીન શક્તિ પૂજા વાળો મત છે એવી વાતને બહુ સ-રસ રીતે બતાવવામાં આવી છે .અને આ વાત અમુક મેલી મુરાદ ધરાવતા લોકોને પસંદ પડે નહિ એ સ્વાભાવિક છે.
આમ માથે ઉગતા વાળ કોઈ એવું ઇમ્પોર્ટંટ અંગ નથી કે એ નીકળી જાય તો જીવન અટકી જાય એમ છતાં એનો મહિમા અપરંપાર છે.
ભારતમાં આજે વિગ, પેચ, વાળ ઉગાડવાની દવાઓ, તેલ અને ટ્રીટમેન્ટ નું અબજો રૂપિયાનું બજાર છે.
એક યુવતીએ તો પોતાના થનાર કરોડપતિ એવા પતિની કથિત રીતે હત્યા કરી કેમકે એ પેચ પહેરતો હતો અને એને કારણે પેલીને એની સાથે ગોઠતું નહોતું !! બોલો.. વાળ કેવડી મોટી ચીજ છે ??
ફિલ્મોના લગભગ બધા અભિનેતાઓ અમિતાભ હોય કે રણબીર હોય ,બધા જ પેચ પહેરે છે. એકેયને માથે વાળ સલામત રહ્યા નથી. એમ છતાં ભારતમાં દરરોજ નવા નવા તેલ અને નવી નવી દવાઓ, ટ્રીટમેન્ટ લોન્ચ થયા કરે છે જે કહે છે કે અમે વાળ ખરતા અટકાવી દઈશું!
વાળ હમેશા પુરુષોને જ કેમ ખરે છે ?? કેમ સ્ત્રીઓને ટાલ નથી પડતી? વળી એ ટાલ માત્ર હોર્સ શૂ (ઘોડાની નાળ) જેવા આકારમાં જ કેમ પડે છે?કેમ અમુક લોકોને ટાલ નથી પડતી પણ અમુકને પડે જ છે ? — આ બધા પ્રશ્નો થાય છે ?
આ પ્રશ્નોના ઉત્તર ઘણા અઘરા છે પણ સરળ ભાષામાં સમજીએ તો એટલું છે કે પુરુષોમાં બનતા હોર્મોન ટેસ્ટેસ્ટરોન ને કારણે પુરુષોમાં નવા વાળ બનવાની ક્રિયા ધીમી પડે છે. હવે જો આ ક્રિયાને વેગવાન બનાવીને વાળ સલામત રાખવા હોય તો ખૂબ કસરત કરવી પડે, પોષક આહાર લેવો પડે તો એમ થાય કે તેસ્ટેસ્ટરોન થી વાળની વૃદ્ધિ પર પડતી અસર ને નાબૂદ કરી શકાય.
જે ઘોડાની નાળ જેવા આકારમાં ટાલ પડે છે તે બધા એરિયા નીચે એક ચોક્કસ સ્નાયુ આવેલો હોય છે તે વાળ નીચેની ત્વચાને ખેંચીને રાખે છે જેને કારણે વાળને એરિયામાં જરા ઓછું લોહી પોષણ પહોંચે છે.તો જો દરરોજ મસાજ કરવામાં આવે તો વાળ ખરવાની શક્યતા ને ઘટાડી શકાય. આ બધું વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે.
લાંબા ઘાટા સુંદર વાળ શક્તિ અને સ્વાસ્થ્યના પ્રતીક છે. જ્યાંજ્યાં ઈશ્વરને તાપમાન નિયંત્રણ કરવાની જરૂર પડી ત્યાં ત્યાં ઈશ્વરે વાળ ઉગાડયા છે. માથું ઠંડુ રાખવા વાળ જરૂરી છે અને ઠંડુ થાય તો ગરમ કરવા પણ વાળ જરૂરી છે. જય કેશરિયાજી!




