ફિફા વર્લ્ડ કપ : ક્રોએશિયાને 2-1 થી હરાવી પુર્તગાલ અંતિમ-16માં
અન્ય મેચમાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0 થી કચડી નાખ્યું ; ગોલકીપર ઉનાઈ સિમોનનો નવો રેકોર્ડ
- Advertisement -
ટોરન્ટો
ફિફા વિશ્વ કપ-2026ના રાઉન્ડ ઓફ 32ના સૌથી રોમાંચક અને ભાવનાત્મક મુકાબલામાં પુર્તગાલે ક્રોએશિયાને 2-1થી પરાજય આપી અંતિમ-16માં સ્થાન મેળવી લીધું છે. ટોરન્ટોના મેદાન પર રમાયેલી આ મેચમાં છેલ્લી મિનિટ સુધી સસ્પેન્સ, ડ્રામા અને લાગણીઓનો સંગમ જોવા મળ્યો હતો. મેચ બાદ મેદાન પર ઉભરાયેલા ભાવુક દ્રશ્યો ફૂટબોલ ચાહકોના દિલને સ્પર્શી ગયા હતા, જ્યારે ફૂટબોલના મહાનાયક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના આંસુઓ રોકી શક્યા ન હતા. મેચ પહેલા જ પુર્તગાલની ટીમ માટે આ દિવસ ખાસ અને લાગણીસભર હતો. ટીમના દિવંગત સ્ટાર ખેલાડી ડિઓગો જોટાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ટીમે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રોનાલ્ડોએ ખાસ કરીને જોટાની 21 નંબરની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો અને જીત બાદ આ વિજય પોતાના સાથી ખેલાડીને સમર્પિત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ, 2025ના રોજ સ્પેનમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ડિઓગો જોટા અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાનું અવસાન થયું હતું. લગ્નના માત્ર 11 દિવસ બાદ બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ફૂટબોલ જગતને આઘાતમાં મૂકી દીધું હતું. મેચ પૂર્ણ થયા બાદ રોનાલ્ડો સાથી ખેલાડીઓને ભેટીને ભાવવિભોર થઈ ગયો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાહકોનું ભીની આંખે અભિવાદન ઝીલ્યું હતું. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો એકબીજા સામે ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી અને સ્કોર 0-0ની બરાબરી પર રહ્યો હતો. જોકે, બીજા હાફની 53મી મિનિટે ક્રોએશિયાના ઇવાન પેરિસિચે ગોલ ફટકારી પોતાની ટીમને 1-0ની લીડ અપાવી હતી.
- Advertisement -
પુર્તગાલે 64મી મિનિટે વાપસી કરી હતી. બોક્સની અંદર પુર્તગાલના ખેલાડી પર થયેલા ફાઉલ બાદ રેફરીએ VARની મદદથી પેનલ્ટી ફટકારી હતી, જેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ચોક્કસ ગોલમાં ફેરવી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ ગોલ રોનાલ્ડોના વિશ્વ કપ નોકઆઉટ ઇતિહાસનો પ્રથમ ગોલ સાબિત થયો હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઈમ દરમિયાન જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા વિવાદો અને રમતના વિરામોને કારણે ઉમેરાયેલો સમય 18 મિનિટ સુધી લંબાયો હતો. 90+4મી મિનિટે રાફેલ લિયાઓના શાનદાર ક્રોસ પર ગોન્ઝાલો રામોસે હેડર વડે ગોલ ફટકારી પુર્તગાલને 2-1ની નિર્ણાયક લીડ અપાવી હતી.
ક્રોએશિયાએ 90+15મી મિનિટે ગોલ નોંધાવી મેચને ફરી બરાબરી પર લાવ્યાનો જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ VAR ચેક બાદ ગોલને ઓફસાઇડ જાહેર કરવામાં આવતા ગોલ રદ થયો હતો અને ક્રોએશિયાનું વિશ્વ કપનું સ્વપ્ન તૂટી ગયું હતું. ક્રોએશિયાના દિગ્ગજ ખેલાડી લુકા મોડ્રિચ માટે આ અંતિમ વિશ્વ કપ સાબિત થયો હતો. મેચ પૂર્ણ થયા બાદ રોનાલ્ડોએ મોડ્રિચને ગળે લગાવી સાંત્વના આપી હતી, જે દ્રશ્યે ખેલદિલીની અનોખી મિસાલ ઉભી કરી હતી. બીજી તરફ, લોસ એન્જલસમાં રમાયેલા અન્ય નોકઆઉટ મુકાબલામાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0થી પરાજય આપી અંતિમ-16માં સ્થાન પાકું કર્યું હતું. સ્પેન તરફથી મિકેલ ઓયરજાબલે બે ગોલ નોંધાવ્યા હતા જ્યારે પેડ્રો પોરોએ એક ગોલ ફટકાર્યો હતો. હવે વિશ્વ ફૂટબોલના ચાહકોની નજર ડલાસમાં રમાનારા અંતિમ-16ના મહામુકાબલા પર રહેશે, જ્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પુર્તગાલ અને સ્પેન આમને-સામને ટકરાશે.
રોનાલ્ડોના નામે વધુ બે ઐતિહાસિક સિદ્ધિઓ
– 41 વર્ષ અને 147 દિવસની ઉંમરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફિફા વિશ્વ કપના નોકઆઉટ મુકાબલામાં રમનારો ઇતિહાસનો સૌથી વયસ્ક ખેલાડી બન્યો છે.
– 40 વર્ષની ઉંમર બાદ વિશ્વ કપના નોકઆઉટ મુકાબલામાં ગોલ નોંધાવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
– સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોનનો વિશ્વ રેકોર્ડ : સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને ઓસ્ટ્રિયા સામેની મેચમાં સતત 519 મિનિટ સુધી એક પણ ગોલ ન ખાઈ વિશ્વ કપ ઇતિહાસમાં સૌથી લાંબી ક્લીન શીટ જાળવવાનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
– ઇટાલીના દિગ્ગજ ગોલકીપર વોલ્ટર ઝેન્ગાના 517 મિનિટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.




