બિહારના ૪ જિલ્લામાં ભારે વરસાદ, 30 જિલ્લા માટે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, વીજળી પડતા ૪નાં મોત
રાજસ્થાનના જયપુર સહિત ૨૫ જિલ્લામાં આજે યલો એલર્ટ
ઉતરપ્રદશેના આજે તમામ ૭૫ શહેરમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી
ખાસ ખબર ન્યૂઝ મુંબઇ
મહારાષ્ટ્રમાં ચોમાસું આવ્યા બાદ ચાર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં રેડ એલર્ટ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 172mm વરસાદ થયો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરુવારે બપોરે સમુદ્રમાં લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપી છે. લોકોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ગુરુવારે ચોમાસાએ 7 દિવસના વિલંબથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો. દિલ્હીમાં 5 દિવસના વિલંબથી પહોંચ્યું. દિલ્હીમાં આજે સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનના જયપુર-દૌસા સહિત 25 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. આ તરફ, મધ્યપ્રદેશના 7 જિલ્લામાં બુધવારે ભારે વરસાદ થયો. ઇન્દોરમાં વરસાદમાં કાર નાળામાં પડી ગઈ. સિહોરમાં વરસાદના તેજ પ્રવાહમાં બાઇક પણ તણાઈ ગઈ. ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
- Advertisement -
બિહાર, યુપીમાં વીજળી પડવાથી 3-3 અને ઝારખંડમાં 2 લોકોના મોત થયા. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં રેલવે સ્ટેશનના વેઇટિંગ હોલ અને જીઆરપી પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયું. મધ્યપ્રદેશમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાએ શહડોલ, નર્મદાપુરમ સહિત 7 વિભાગોને આવરી લીધા છે. આજે ગ્વાલિયર-ચંબલ વિભાગમાં પહોંચી શકે છે. આજે રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. તેમાં હરદા, નર્મદાપુરમ, રાયસેન, છિંદવાડા, પાંઢુર્ણા, બાલાઘાટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આગામી 24 કલાકમાં અહીં 100mm-200mm વચ્ચે વરસાદ પડી શકે છે.
ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. ગુરુવારે સવારથી કાનપુર-સહારનપુર સહિત 20 શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. લખનઉમાં પણ વરસાદ ચાલુ છે. સરકારે લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસું આગામી 24 થી 48 કલાકમાં આખા રાજ્યને આવરી લેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. હાલ પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. આજે પણ જયપુર-દૌસા સહિત 25 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. બીજી તરફ, રાજસ્થાન-પાકિસ્તાન સરહદી જિલ્લાઓમાં હજુ પણ તીવ્ર ગરમીનો પ્રભાવ છે. બુધવારે શ્રીગંગાનગરમાં સૌથી વધુ તાપમાન 44°C ની આસપાસ નોંધાયું હતું.
બિહારમાં ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગે આજે 30 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાંથી 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને 26 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.




