હરિઓમ યાદવ ઉર્ફે બોટલ બાબાએ મહિલાને પૂજાના બહાને રૂમમાં બોલાવી આચરી અશ્લીલ હરકત
ફૂંક મારીને પાણીને અમૃત બનાવતો ઢોંગી બોટલ બાબા છેડતી અને બળાત્કારમાં કેસમાં જેલ મોકલાયો
- Advertisement -
ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાંથી અંધશ્રદ્ધાના નામે મહિલાઓનું શોષણ કરતા એક ઢોંગી બાબાની પાપલીલાનો પર્દાફાશ થયો છે. કાનપુર દેહાતના હરિધામ સરકાર આશ્રમના સંચાલક હરિઓમ યાદવ ઉર્ફે ‘બોટલ બાબા’ પર એક મહિલાએ છેડતી અને બળાત્કારના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઢોંગી બાબા અને તેના શિષ્ય સહિત ૫ લોકો સામે ફરિયાદ નોંધીને બાબા અને તેના મુખ્ય શિષ્ય દીપકની ધરપકડ કરી લીધી છે.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેના સસરા અને દિયરે ગત 6 જૂનના રોજ બાબાને ઘરે પૂજા માટે બોલાવ્યા હતા. ત્યાં બાબાએ દાવો કર્યો કે મહિલા પર ‘કાળી શક્તિઓનો સાયો’ છે, જેને દૂર કરવા માટે 40000 રૂપિયા પડાવી લીધા અને 15 જૂનના રોજ આશ્રમ બોલાવી. 15 જૂનના રોજ જ્યારે મહિલા આશ્રમ પહોંચી ત્યારે બાબા તેને વિશેષ વિધિના બહાને એક રૂમમાં લઈ ગયો અને અશ્લીલ હરકતો કરીને રેપનો પ્રયાસ કર્યો. મહિલાએ વિરોધ કરતાં બાબા, તેના દિયર અને શિષ્યોએ મહિલા સાથે મારપીટ કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઢોંગી બાબા 4 વીઘાના આશ્રમમાં પોતાનો દરબાર ભરે છે. ત્યાં 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદ્યા પછી જ એન્ટ્રી મળે છે. બાબા આ પાણીની બોટલમાં ફૂંક મારીને કેન્સર જેવી બીમારીઓ મટાડવાનો અને કોરડા મારીને ભૂત ભગાડવાનો ખોટો દાવો કરે છે. તેના અનુયાયીઓને બાબા પર હજુ પણ વિશ્વાસ છે. તેઓ કહે છે કે બાબા પાણીને સ્પર્શીને અમૃત બનાવી દે છે. તેને પીવાથી દરેક પ્રકારની બીમારીઓ મટી જાય છે.
- Advertisement -
બોટલ બાબાનું અસલી નામ હરિઓમ યાદવ છે. 10 વર્ષ પહેલાં સુધી તે કાનપુર દેહાતની તહસીલમાં આવક અને જાતિ પ્રમાણપત્રો બનાવવાનું કામ કરતો હતો. સરકારી ફી ઉપરાંત 100-150 રૂપિયા વધુ લઈને કમાણી કરતો હતો. એક દિવસ હરિઓમ ભગવા કપડાં પહેરીને ગામના લોકો વચ્ચે પહોંચ્યો. બોલ્યો – મારા સપનામાં કાલી માતા આવ્યા હતા. તેમણે આદેશ આપ્યો કે ભક્ત લોકોનું જીવન સુધારો, તેમની મદદ કરો.
અહીંથી જ હરિઓમની બોટલ બાબા બનવાની કહાની શરૂ થાય છે. તેણે ગામમાં જ કાલી માતાનું મંદિર બનાવ્યું. લોકોને કહેવા લાગ્યો – મને હરિ ધામ સરકાર કહો. મંદિરમાં જ દરબાર લાગવા માંડ્યો. પાણીમાં ફૂંક મારીને બાબા કહેતો – આને પી લો, સાજા થઈ જશો. પરંતુ, મહિલા અનુયાયી સાથે છેડછાડના કેસમાં પોલીસે 19 જૂને તેને અરેસ્ટ કરી લીધો છે. હવે બોટલ બાબા જેલમાં છે અને આશ્રમ બંધ છે.
3 રીતે લોકોને સાજા કરવાનો દાવો કરતો
બોટલમાં ફૂંક મારીને પાણીને અમૃત બનાવી દેવાનો દાવો, કહેતો- આ પીવાથી બીમારીઓ ઠીક થઈ જશે.
સફરજન પર ફૂંક મારીને ગર્ભવતી મહિલાઓને આપતો. દાવો કરતો કે આ ખાવાથી છોકરો જ જન્મશે.
ફિચ્ચ, ફચ્ચનો અવાજ કાઢીને હાથોથી શરીરનો દુખાવો ખેંચી લેવાનો દાવો કરતો.
2 દિવસ દરબાર લગાવતો, વરરાજાના કપડાં પહેરીને બેસતો
આશ્રમ બનાવ્યા પછી હરિઓમ દર મંગળવાર અને શનિવારે દરબાર લગાવવા લાગ્યો. લોકોની સામે સિંહાસન પર બેસતો હતો. તેમાં તે ક્યારેક વરરાજાના કપડાં પહેરતો, તો ક્યારેક ધોતી-કુર્તામાં આવતો હતો. શરૂઆતમાં તે 100 રૂપિયાની રસીદ કઢાવતો હતો. આશ્રમની દુકાનમાંથી 20 રૂપિયાની પાણીની બોટલ લેવી પડતી હતી. હરિઓમ આ જ પાણીને સ્પર્શીને અમૃત બનાવવાનો દાવો કરતો હતો. જો કોઈ અનુયાયી કહેતો કે ફાયદો નથી થયો તો કહેતો કે તારા પર સાયો છે. વિશેષ પૂજા કરાવવી પડશે. હરિઓમ સાથે રહેલા લોકો પૂજા સામગ્રી લખતા અને ત્યાં આશ્રમમાંથી જ તેને ખરીદવી પડતી હતી. સામગ્રીની કિંમત 3થી 5 હજાર રૂપિયાની વચ્ચે થતી હતી. ગામના લોકો જણાવે છે કે 2024માં જે રસીદ 100 રૂપિયામાં કપાતી હતી, હવે તે જ 250 રૂપિયાની થઈ ગઈ છે.




