રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ભીમ અગીયારશના દિવસે જુગાર રમવાની પરંપરા યથાવત રાખવી જુગારીઓને ભારે પડી હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ દિવસે જુગાર રમવાની પ્રથા હાલના દિવસોમાં પણ જોવા મળી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 42ને ઝડપી લઈ ગુનો નોંધી રોકડ, મોબાઈલ, કાર સહિતના વાહનો મળી કુલ 4,19,050 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ તાલુકા પોલીસે ગુંદાળા રોડ પર શૈલેષ શીંગાળાના ફાર્મ હાઉસમાં દરોડો પાડી જુગાર રમતા શૈલેષ મુળજીભાઇ શિંગાળા, નરેન્દ્ર વલ્લભભાઇ રૈયાણી, ધીરૂ લક્ષમણ પારખીયા, દિનેશ ગોરધનભાઇ પીપળવા અને છગન મુળજીભાઇ શિંગાળાને ઝડપી લઇ રોકડ, મોબાઈલ અને કાર મળી 2.51,750 નો મુદામાલ કબ્જે કર્યો હતો ઘોઘાવદર ગામે બીજો દરોડો પાડી જુગાર રમતા હિતેશ બચુ સુરાણી, રજનિક જશવંત જેઠવા, દિવ્યેશ વિરજી વિરડીયા અને હિતેશ કાનજી મકવાણાને ઝડપી લઇ રોકડ , એક્ટિવા અને મોબાઈલ મળી 93,300નો મુદામાલ કબ્જે કર્યો છે જયારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે વિજયનગરમાં દરોડો પાડી જુગાર રમતા અજય ઉર્ફે કુડલો માવજી સોલંકી, માવજી વિરજી સોલંકી, ધરમ માવજી સોલંકી, મનુ ભીમા સોલંકી, ઉમેશ પ્રવિણ સોલંકી અને દિનેશ વજુ સોલંકીને ઝડપી લઇ રોકડા 10,250 કબ્જે કર્યા છે આ ઉપરાંત શાપર પોલીસે અનમોલ સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા મહેશ જીવણ દાફડા, પારસ અતુલ બુધ્ધદેવ, કાનજી ગીગા પરમાર, કાળુ નાનજી દાફડા, અરવિદ કાળા ચાવડા, નીતાબેન રાજકેશ સોંદરવા, ગીતાબેન જયદીપ પરમાર, રમાબેન બેચર વેગડા અને રમાબેન માલદેવ પરમારને ઝડપી લઇ 10,200ની મત્તા કબ્જે કરી છે મેટોડા જીઆઇડીસી પોલીસે લોધિકાના નગરપીપળીયા ગામે દરોડો પાડી લાઈટના અંજવાળે જુગાર રમતા રાજેશ માવજી રામાણી, મહેશ નાનજી દોંગા, રમેશ કાનજી રામાણી, રસિક ગોરધન તારપરા, સંજય માવજી રામાણી, કિશન છગન ગઢીયા, અજય વલ્લભ તારપરા અને ભરત દેવશી બાબરીયાને ઝડપી લઇ 29,150ની રોકડ કબ્જે કરી છે જેતપુર ઉધોગનગર પોલીસે રબારીકાના રસ્તે દરોડો પાડી બાવળની ઝાળીમાં જુગાર રમતા બિલાલ ઉર્ફે બાબુ બંગાળી શમસુદીન શેખ, અશ્વિન ઉર્ફે અશોક ગીગા સોલંકી અને પરેશ ઉર્ફે લાલુ છગન પરમારને ઝડપી લઇ રોકડ 11,850ની મત્તા કબ્જે કરી છે ધોરાજી પોલીસે રામપરા હનુમાનજીના મંદિર પાસે દરોડો પાડી જુગાર રમતા રમેશ ઘેલા સંખેસરીયા અને જયેશ વાઘેલાને ઝડપી લઇ રોકડા 3750 કબ્જે કર્યા છે ગોંડલ તાલુકા પોલીસે શેમળાથી પાંચીયાવદર જતા રોડ પર દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા પરેશ બાબુ લીંબાસીયા, રાજેશ લીલાધર કાચેલા, જેન્તી બચુ વિરડીયા, ધીરૂ ભીખા રાદડીયા અને દેવરાજ વશરામ પાનસુરીયાની ધરપકડ કરી 8800ની રોકડ કબ્જે કરી છે.
- Advertisement -
શાપરમાંથી મહિલાના વેશમાં પુરુષની કોહવાયેલી લાશ મળી આવી
શાપરના મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી એક લાંબા વાળ ધરાવતી, મહિલાની સાવ કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે પાંચેક દિવસ પહેલા મૃત્યુ થયાનું અને હત્યા થઇ હોવાની શંકાએ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. શરૂઆતમાં કપડાં અને ઘરેણાં જોઈને પોલીસ પણ થાપ ખાઈ ગઈ હતી અને કોઈ મહિલાની લાશ હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આ લાશ કોઈ યુવતીની નહીં પણ 18થી 20 વર્ષના યુવકની હોવાનું બહાર આવતાં રહસ્ય ઘેરું બન્યું છે પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ આ સમલૈંગિક (ગે) સંબંધો અથવા અન્ય કોઈ કારણોસર થયેલી ક્રૂર હત્યાનો મામલો હોવાની આશંકા છે. જો કે ત્રણથી ચાર દિવસમાં ફોરેન્સિક પી.એમ.નો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સ્પષ્ટ થશે.પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે શાપર પોલીસને મસ્કત ફાટક પાસે અવાવરું જગ્યાએ લાશ પડી હોવાની માહિતી મળતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહ સાવ ડીકંપોઝ થઈ ગયો હતો. મૃતકે અત્યંત ટાઈટ જીન્સ અને ટોપ પહેરેલું હતું હાથમાં બંગડીઓ અને પગમાં સાંકળા હતા તેમજ વાળ પણ લાંબા હતા. લાશ ફૂલી ગઈ હોવાથી પ્રાથમિક તબક્કે પોલીસને તે કોઈ 30થી 35 વર્ષની મહિલા હોવાનું લાગ્યું હતું. ઓળખ કરવી અશક્ય હોવાથી લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી પીએમ રૂમમાં જ્યારે કપડાં હટાવી તપાસ કરાઈ ત્યારે તબીબો અને પોલીસ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે મૃતક સ્ત્રી નહીં પણ પુરુષ હતો. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકની ઉંમર માત્ર 18થી 20 વર્ષની આસપાસ છે અને આશરે ચારથી પાંચ દિવસ પહેલાં જ તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.
શાપરમાં થયેલ અઢી કરોડની લૂંટમાં પરપ્રાંતીય ટોળકી સકંજામાં
શાપર-વેરાવળ વિસ્તારમાં થયેલ 2.49 કરોડની લૂંટની ઘટનામાં પોલીસ દોડતી થઇ ગઈ હતી 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં બંધક બનાવી, હથિયારધારી બુકાનીધારી લૂંટારુઓ 2.47 કરોડની રોકડ રકમ, 2 લાખના દાગીના, રાયફલ અને મોબાઈલ ફોન સહિત કુલ 2.49 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં ગ્રામ્ય પોલીસની 10 જેટલી ટીમોએ પાંચ દિવસની જહેમત બાદ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને ત્રણ શખ્સોને ઝડપી લઇ ઊંડાણપૂર્વકની પૂછતાછ હાથ ધરી છે. એક સપ્તાહ પૂર્વે એટલે કે ગત શુક્રવારની રાતે શાપરમાં રહેતાં રાજવી જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે સુતા હતાં ત્યારે રાત્રે ત્રાટકેલ ધાડપાડું ગેંગે વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.49 કરોડની મતાની લૂંટનો બનાવ બન્યો હતો જે બનાવની ગંભીરતા જોઈ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો.જ્યારે રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનીક પોલીસ, રેન્જ આઈજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને ભાગવાના રૂટ પર સક્રિય તમામ શંકાસ્પદ મોબાઈલ નંબરોનું લોકેશન ટ્રેસ કરી ઇન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર તપાસ આદરી હતી. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી હોય તેવુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે પોલીસે એમપીની ગેંગના ત્રણેક સાગરીતોને ઉઠાવી લીધા છે અને તેને રાજકોટ લાવવામાં આવી રહ્યાં છે. જ્યારે અન્ય શખ્સોની શોધખોળ પણ હાથ ધરી મુદામાલ રિકવર કરવાં પણ તજવીજ હાથ ધરાઈ છે. જે અંગે ગ્રામ્ય પોલીસ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.
લોધીકામાં ગૌચરની જમીન પર કબ્જો કરી, કારખાનું ખડકી દેનાર ત્રિપુટી સામે લેન્ડગ્રેબિંગ
લોધિકાના રાવકી ગામે સરકારી ગૌચરની જમીન પર કબ્જો કરી ત્રણ શખ્સોએ સિમેન્ટ બ્લોક બનાવવાનું કારખાનું ખડકી દેતા ચકચાર મચી ગઈ છે ભુમાફિયાઓએ 510 ચો.વાર જમીન પચાવી પાડતા જિલ્લા વહીવટી તંત્રએ સૂઓમોટો કરી લોધિકા પોલીસ મથકમાં ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. લોધીકા તાલુકા વિકાસ અધિકારી જે આર બોરીચાએ શૈલેષ નાગજી ફાચરા, અશોક મૂળજી ઠુંમર અને અતુલ વિઠ્ઠલ વરસાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લોધીકા તાલુકાના રાવકી ગામની રેવન્યુ સર્વે નં. 221 ની જમીન હાલ જનરલ ઉદ્યોગના હેતુ માટે બિનખેતી પરવાનગી મળેલી છે, જે બિનખેતી નાગજીભાઈ લાધાભાઈ ફાચરાના નામે થયેલ છે સર્વે નં.220 શૈલેષભાઈ ફાચરાના નામે ખેતીની જમીન આવેલ છે. સર્વે નં. 221 ની બિનખેતી થયેલ જમીનને લાગુ ગૌચરની જમીન સર્વે નં. 210 આવેલ છે, જે ગૌચરની જમીનમાં શૈલેષ ફાચરા દ્વારા 2023 સુધી વાવેતર કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ જમીન ઉપર સિમેન્ટના બ્લોક તથા સિમેન્ટને લગતી અન્ય સામગ્રી બનાવવામાં આવતી હતી. જેથી શૈલેષ ફાચરા દ્વારા ગૌચરની જમીનમાં કોમર્શિયલ હેતુ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવું ધ્યાનમાં આવ્યું હતું. જે બાબતે શૈલેષનું નિવેદન લેવામાં આવતા તેણે અશોક મૂળજી ઠુંમર અને અતુલ વિઠ્ઠલ વરસાણી સાથે મળી ગૌચરની 510 વાર જમીન પર દબાણ કરી કોમર્શિયલ પ્રવૃતિ કર્યાનું સામે આવ્યું હતું. રાવકીના તલાટી મંત્રી દ્વારા લેવાયેલા નિવેદનમાં દબાણકર્તાએ બાબત સ્વીકારી હતી સરકારી ગૌચરની જમીન ઉપર દબાણ કરી કોમર્શિયલ ઉપયોગ કરતા શખ્સો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ કાર્યવાહી કરવા લોધીકા મામલતદાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે દરખાસ્ત મામલે જિલ્લા કલેકટર દ્વારા સૂઓમોટો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી ત્રણેય ભુમાફિયાઓ વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાકીય ખારમાં બે ભાઈઓ ઉપર છરીથી જીવલેણ હુમલો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાળી ટીલી લગાડતી વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાકીય ખારમાં બે ભાઈઓ ઉપર પાંચ શખ્સોએ છરી-ધોકાથી જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોશિશ કરી તમને જાનથી મારી નાખવા છે ધંધામાં આગળ વધવા દેવા નથી એમ કહી ધમકી આપતા થોરાળા પોલીસે હત્યાની કોશિષ, રાયોટીંગ સહિતનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના દૂધસાગર રોડ ઉપ્પર શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમનો વ્યવસાય ધરાવતા રાહુલભાઈ દેવજીભાઈ જાદવ ઉ.30એ સુનિલ, અનિલ, રમેશ, ભરત અને હંસાબેન સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને તેનો ભાઈ ગોપાલ અને વિજય ફોટો ફ્રેમનો ધંધો કરતા હોય તેમજ ઉપરોક્ત લોકો પણ આ જ ફોટો ફ્રેમનો ધંધો કરતા હોય આ બાબતે અવારનવાર ઝઘડો કરતા હતા અને ભાઈને ગાળો પણ ભાંડતા હતા જેથી ધંધાકીય ખાર રાખતા હોય સમાધાન માટે કહેતા ગત રાત્રે શિવાજીનગર શેરી નંબર 16 ખાતે બધા મળ્યા હતા અને ધંધા બાબતે કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સુનિલ, અનિલ અને રમેશે છરી અને ધોકા જેવા હથિયારો કાઢી મારી નાખવાના ઇરાદે ગોપાલભાઈને છરીનો એક ઘા પેટના ભાગે ઝીકી દીધો હતો તેમજ વિજયભાઈને પણ છરીનો એક ઘા ઝીકી દીધો હતો તેમજ અન્ય લોકોએ પકડી રાખી ઢીકાપાટુનો માર મારી ગોપાલભાઈ અને વિજયભાઈ પર ધોકાથી હુમલો કર્યો હતો અને ગોપાલભાઈને જાનથી મારી નાખવો છે તેને ધંધામાં આગળ વધવા દેવો નથી તેમ કહી ધમકી આપી હોવાનું જણાવતા પીઆઇ શક્તિસિંહ સોઢા સહિતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી 10 હજાર ભરેલી તિજોરીનો ચોરી
રાજકોટના કાલાવડ રોડ ઉપર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા અને લીંબુડીવાડીમાં માધવ વાટિકા કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવી જમીન-મકાનનું કામ કરતા શિવરાજસિંહ જનકસિંહ રાણા ઉ.29એ ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 24 તારીખે રાત્રે હું ઓફિસ બંધ કરીને ઘરે જતો રહ્યો હતો 25 તારીખે સવારે આવીને જોયું તો ઓફિસનો લોક તૂટેલો હતો જેથી અંદર જઈને જોયું તો તિજોરી પણ ગાયબ હતી આ તિજોરીમાં 10 હજાર રૂપિયા રોકડા હતા જેથી આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ તિજોરી મળી આવેલ નહિ જેથી અજાણ્યા તસ્કરોએ ઓફિસનો લોક તોડી 10 હજાર રોકડ ભરેલી તિજોરી ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવતા પીએસઆઈ એમ એસ મહેશ્વરી સહિતની ટીમે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
બાળકીના મોત મામલે જસદણ આલ્ફા ક્લાસીસના સંચાલકની ધરપકડ
જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી માસૂમ વિધાર્થીની આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોત મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા એસ.પી. વિજ્યસિંહ ગુર્જર, એએસપી, જસદણ પોલીસ સહિતનો સ્ટાફ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસે ગુનો નોંધી ત્વરિત ક્લાસીસ સંચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક આયુષી બલદાણીયાના પરિવારજનોએ હોસ્ટેલ અને શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરતા કહ્યું હતું કે આયુષી છેલ્લા ૧૫ દિવસથી બીમાર હતી, છતાં પણ સંચાલકો દ્વારા પરિવારને આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, બીમારીના આટલા દિવસો દરમિયાન દીકરીને તેના માતા-પિતા સાથે ફોન પર વાત કરવાની તક પણ આપવામાં આવી ન હતી અને અચાનક જ સંસ્થામાંથી ફોન આવ્યો હતો અને આયુષીની તબિયત અત્યંત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી રહી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ માસૂમ આયુષીનું કરુણ મોત નીપજ્યું હતું આ ચકચારી ઘટનાની તપાસના ભાગરૂપે પોલીસે આલ્ફા ટ્યૂશન ક્લાસીસના સંચાલક જયસુખ સંખાળવાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ક્લાસિસમાં બનેલી ઘટનાઓનું સત્ય જાણવા માટે પોલીસ દ્વારા સંસ્થાનું ડીવીઆર પણ કબજે લેવામાં આવ્યું છે, જેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. બીજી તરફ આહીર સમાજના અગ્રણીઓ તાત્કાલિક ટ્યૂશન ક્લાસ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉચ્ચારી હતી.




