ગુજરાતમાં 34 જિલ્લાઓની સરખામણીએ પ્રમોટી IAS ની સંખ્યા હવે ‘ત્રણગણી’ થઈ
- Advertisement -
ગુજરાતના વહીવટી માળખામાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. ભારત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એડમિનિસ્ટ્રેશન સર્વિસ (GAS) કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ પર્સોનલે ગુરુવારે ૨૦૨૫ના સિલેક્શન સ્કેલના ૧૮ GAS અધિકારીઓને IAS માં પ્રમોટ કરવાનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પ્રમોશન સાથે જ ગુજરાતમાં ૨૦ થી ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા IAS અધિકારીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. લોકસભા-૨૦૨૯ની ચૂંટણી સુધીમાં પ્રમોટી IAS ની સંખ્યામાં હજુ પણ મોટાપાયે વધારો થવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે અને આગામી બે વર્ષમાં હજુ વધુ ૫૦ જેટલા GAS ઓફિસર્સ IASમાં નોમિનેટ થશે. રાજ્યના ૩૪ જિલ્લાઓની સરખામણીએ પ્રમોટી IAS ની સંખ્યા હવે ‘ત્રણગણી’ થઈ ગઈ છે, જે વહીવટી ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. અગાઉ પૂર્વકાળમાં નોમિનેટ થતા સ્ટેટ કેડરના અધિકારીઓને IAS તરીકેનો કાર્યકાળ ઘણો ઓછો (આશરે પાંચ વર્ષ) મળતો હતો. પરંતુ હવે નોમિનેટ થતા IAS અધિકારીઓને સરેરાશ ૬ થી ૭ વર્ષનો સમય મળી રહેશે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ટૂંક સમયમાં જ આ પ્રમોટી IAS અધિકારીઓને નવી વહીવટી જગ્યાઓ પર મોટાપાયે ફેરબદલ સાથે નિયુક્ત કરશે.
નવનિયુક્ત આઈએએસમાં ભરત જોશી (જોઈન્ટ MD, GIDC), રાજેશ કુમાર (DRDA, અરવલ્લી), રિકેશ પટેલ (એડી. કલેક્ટર, ચૂંટણી-GAD), ચેતન ગણાત્રા (પીએસ ટુ પાણી પુરવઠા મંત્રી), ચેતન ગાંધી (સંયુક્ત નિયામક, અન્ન પુરવઠા), બાલમુકુન્દ પટેલ (એડી. કલેક્ટર, GSPC), મેહુલ જોશી (સચિવ, પંચાયત ભરતી બોર્ડ), અમિત જોશી (ગૃહ વ્યવસ્થાપક, રાજભવન), કુલદિપસિંહ ઝાલા (જોઈન્ટ એમ.ડી. ટુરિઝમ), વિક્રમસિંહ જાદવ (નિયામક, વિકસતી જાતિ), ધર્મેશ પટેલ (OSD, ખાણ ખનીજ કમિશનરેટ), બી.એચ.પટેલ (એડી. કલેક્ટર સિંચાઈ), ઈન્દ્રજિતસિંહ વાળા (સચિવ, સ્પોર્ટ્સ ઓથો), મહિપાલસિંહ ચુડાસમા (એડી.સુપરિ ઓફ સ્ટેમ્પ), ભરત પ્રજાપતિ (એડી. કલેક્ટર, નર્મદા પુનઃ વસન), વિજય પટેલ (જો. કમિશનર, વિશ્લેષણ સમિતિ), એ.કે.વસ્તાની (DRDA, રાજકોટ) અને પ્રદિપસિંહ રાઠોડ (સચિવ, વકફ બોર્ડ)નો સમાવેશ થાય છે.


