કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીના સતત પ્રયાસોને સફળતા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં. 3 હેઠળ આવતા રેલનગર, પોપટપરા આવાસ વિસ્તાર તેમજ નવા ભળેલા માધાપર વિસ્તારમાં વર્ષોથી ચાલતા વીજ પુરવઠાના પ્રશ્નના નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. લાંબા સમયથી સ્થાનિક લોકો ચોમાસા દરમિયાન કલાકો સુધી વીજળી ગુલ રહેવાની સમસ્યાથી પરેશાન હતા. હવે PGVCL દ્વારા બેડીનાકા પેટા ડિવિઝન અને માધાપર સબ ડિવિઝનની નવી કચેરીઓ શરૂ કરવામાં આવતાં હજારો નાગરિકોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, રેલનગર અને આસપાસના વિસ્તારોમાં વીજળી સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે અગાઉ બેડીનાકા સબ ડિવિઝન પર વધુ પડતો ભાર રહેતો હતો. બીજી તરફ માધાપર વિસ્તાર ગ્રામ્ય સબ ડિવિઝન હેઠળ આવતો હોવાથી ભૌગોલિક અને ટેકનિકલ કારણોસર વીજ ખામીઓ દૂર કરવામાં વિલંબ થતો હતો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં 8 થી 10 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો સામાન્ય બન્યા હતા, જેના કારણે હજારો પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર પ્રશ્નના ઉકેલ માટે તે સમયના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનો ગાયત્રીબા વાઘેલા તથા અતુલ રાજાણીએ PGVCLના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી. ઉપરાંત રાજ્ય સરકાર સમક્ષ પણ અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રેલનગર અંડરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સમક્ષ પણ આ મુદ્દો રૂબરૂ રજૂ કરવામાં આવ્યો હતો.
વર્ષોની સતત મહેનત અને અનુસંધાનના પરિણામે હવે વિસ્તારમાં PGVCLની બે નવી પેટા કચેરીઓ કાર્યરત થવા જઈ રહી છે. આગેવાનોના જણાવ્યા મુજબ આગામી એકાદ-બે દિવસમાં બેડીનાકા પેટા ડિવિઝન અને માધાપર સબ ડિવિઝનની નવી કચેરીઓનો પ્રારંભ કરવામાં આવશે, જેના કારણે વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે સ્થાનિક સ્તરે જ સુવિધા ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીએ નવી કચેરીઓની મુલાકાત લઈ PGVCLના અધિકારીઓ તેમજ તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર, PGVCL વિભાગ અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા નવી કચેરીઓને પૂરતો સ્ટાફ, આધુનિક ટેકનિકલ સાધનો અને જરૂરી વાહનો ફાળવવામાં આવશે, જેથી કોઈપણ વીજ ફોલ્ટ સર્જાય ત્યારે નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે અને ઝડપી સેવા મળી રહે. સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે નવી પેટા કચેરીઓ શરૂ થતાં રેલનગર, પોપટપરા, માધાપર અને આસપાસની અનેક ટાઉનશીપોમાં વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે તેમજ વર્ષોથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકશે. આ નિર્ણયને વિસ્તારના વિકાસ અને નાગરિક સુવિધાઓના મજબૂતીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર




