ગુજરાત યોગ બોર્ડ અને રાજકોટ મનપા વચ્ચે MOU થયા: આ અનોખી પહેલ કરનાર રાજકોટ દેશનું પ્રથમ શહેરઃ મેયર ડૉ. નેહલ શુક્લ
રાજકોટ બનશે પ્રથમ ’15 મિનિટ્સ યોગા સિટીઃ 419 સેન્ટરો પર તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપા સંપૂર્ણ સજ્જઃ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા
- Advertisement -
સવારે 7 થી 8 વાગ્યા સુધી નાગરિકોને મળશે અવિરત યોગ માર્ગદર્શન
21મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના પાવન અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગને વૈશ્વિક સ્તરે સન્માન અપાવવાના ભગીરથ કાર્યમાં પોતાનો ‘ખિસકોલી સહકાર’ આપતા રાજકોટ મનપા દ્વારા રાજકોટને સમગ્ર વિશ્વનું પ્રથમ ’15 મિનિટ્સ યોગા સિટી’ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત જ નહીં, પરંતુ સંભવતઃ સમગ્ર ભારત અને વિશ્વમાં આ પ્રકારની અનોખી અને ગેરંટીડ સ્વાસ્થ્ય સુવિધા આપનાર રાજકોટ પ્રથમ કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે.પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મનપાના પદાધિકારીઓ અને મનપા કમિશનર તુષાર સુમેરા (IAS) એ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ધ્યેય નાગરિકોને સમય મર્યાદામાં ખાતરીપૂર્વકની સુવિધા આપવાનો છે. રાજકોટનો કોઈપણ નાગરિક સવારે પોતાના ઘરથી નીકળે, તો માત્ર ૧૫ મિનિટના અંતરાલમાં જ તેને મનપા દ્વારા સંચાલિત યોગ કેન્દ્ર મળી રહેશે. આ સેન્ટરો પર સવારે ૭થી ૮ વાગ્યા દરમિયાન નાગરિકોને સતત અને અવિરતપણે યોગનું માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જેથી લોકો માત્ર યોગ દિવસ પૂરતા મર્યાદિત ન રહેતા આખું વર્ષ યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી શકે.
- Advertisement -
શહેરમાં આવા કુલ ૪૨૬ સેન્ટરો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૧૯ સેન્ટરો પર તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપા સંપૂર્ણ સજ્જ થઈ ચૂકી છે. નાગરિકોની સરળતા માટે આ તમામ કેન્દ્રોને જીઓ-ટેગ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નાગરિકો પોતાના મોબાઈલ સ્ક્રીન પર જ જોઈ શકશે કે તેમની આસપાસ કઈ જગ્યાએ યોગ સેન્ટર કાર્યરત છે. શહેરીજનો માટે આ સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે (તદ્દન ફ્રી) રહેશે અને ગમે તેટલી સંખ્યામાં નાગરિકો આ સેન્ટરોનો લાભ લઈ શકશે. આ ભગીરથ પ્રોજેક્ટ માટે રાજકોટ મનપા અને ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ વચ્ચે સત્તાવાર કરાર (MoU) કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વિશેષ માર્ગદર્શન હેઠળ ઘડાયેલી આ યોજનામાં યોગ ટીચર્સ (ટ્રેનર્સ) માટેનો કોઈપણ જાતનો આર્થિક ખર્ચ રાજકોટ મનપાએ ભોગવવાનો રહેશે નહીં, સમગ્ર વ્યવસ્થા રાજ્ય સરકારના સહયોગથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ ક્લાસીસ માટે શહેરના પબ્લિક ગાર્ડન, હોલ અને સરકારી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સેન્ટર્સની ક્ષમતા જગ્યાના આધારે નક્કી કરાશે, જ્યાં ખુલ્લી જગ્યા હશે ત્યાં ૫૦૦ થી ૧૦૦૦ લોકો અને નાની જગ્યાઓમાં ૨૫ થી ૩૦ લોકો એકસાથે યોગ કરી શકશે. જો નાગરિકોનો ધસારો વધશે તો મનપા તાત્કાલિક ધોરણે બીજા ૧૦૦ નવા સેન્ટરો શરૂ કરવા માટે પણ સક્ષમ છે. આ માટે મનપા પોતાની જગ્યાઓ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિની વાડીઓ કે ખાનગી શાળાઓ સાથે પણ કરાર (MoU) કરશે. કમિશનરે ઉમેર્યું કે, લાંબા ગાળાના આયોજન રૂપે ભવિષ્યમાં આ સમયગાળો હજુ ઘટાડીને રાજકોટને ’10 મિનિટ્સ યોગા સિટી’ તરફ લઈ જવામાં આવશે. યોગા ઉપરાંત ભવિષ્યમાં સ્પોર્ટ્સ અને હેલ્થ સેક્ટરમાં પણ આવી એશ્યોર્ડ સમયબદ્ધ સેવાઓ આપવાનો મનપાનો લક્ષ્યાંક છે.





