અંબાલાલની વાતો તથ્યહિન : જયંત પંડ્યા
‘ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ’ : અંબાલાલ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ જેટલી જ ઝડપથી આગાહીઓનું બજાર પણ ગરમ થાય છે. પરંતુ આ વર્ષે વરસાદ પડતા પહેલાં જ આગાહી કરનારાઓ વચ્ચે એક મોટું વાવાઝોડું ફૂંકાયું છે. ગુજરાતમાં પોતાના આગવા અંદાજથી વરસાદની ભવિષ્યવાણી કરનારા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અંધશ્રદ્ધા નિર્મૂલન ક્ષેત્રે કાર્યરત ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામસામે આવી ગયા છે. આ બંને દિગ્ગજો વચ્ચે શરૂ થયેલું શબ્દયુદ્ધ હવે માત્ર વ્યક્તિગત આક્ષેપો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે ‘પરંપરાગત જ્ઞાન વિરુદ્ધ આધુનિક વિજ્ઞાન’ના મોટા વિવાદમાં ફેરવાઈ ગયું છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે આકરા સવાલો ઉઠાવ્યા. જયંત પંડ્યાએ કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં જણાવ્યું કે, હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઈટ ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ (IMD) જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત-દિવસ ડેટાનું એનાલિસિસ કરીને સચોટ માહિતી આપતી હોય છે. આવા સમયે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબાગાળાની આગાહીઓ કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે. લોકોએ માત્ર અને માત્ર સત્તાવાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓની માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ જેથી ખેડૂતો આર્થિક નુકસાનીથી બચી શકે.
- Advertisement -
જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં તાજેતરમાં 47 આગાહીકારોએ વરસાદનો વરતારો કર્યો હતો. જેમાં 25 મેંથી 31 મેં સુધી પ્રી મોન્સૂનની અને 6 જૂનથી વાવણીલાયક વરસાદની આગાહી કરી હતી. જે સદંતર ખોટું પડ્યું છે. આ આગાહીકારો રૂમમાં ચાર ખુણામાં બેસી પોતાની પ્રસિદ્ધી માટે વરતારા કરતા હોય છે. વરતાર બંધ કરવા જોઈએ. વરતારા બંધ થવાથી સમાજ કે ખેડૂતને કંઈ નુકસાન થવાનું નથી. આવા વરતારા બંધ થવા જોઈએ. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું, વરસાદની વણમાગી સલાહ આપે છે. વારંવાર ખોટા પડે છે. તથ્યહિન વાતો કરે છે. અમારી પાસે ડેટા છે કે વર્ષોથી તે ખોટા પડે છે. તેની આગાહી સમાજને નુકસાનકર્તા છે.
બીજી તરફ પોતાની આગાહીઓથી ખેડૂતોમાં લોકપ્રિય બનેલા અંબાલાલ પટેલે પણ વિજ્ઞાન જાથાના આ પ્રહારો સામે મૌન તોડ્યું છે અને જોરદાર બચાવ કર્યો છે. અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. તેમણે પોતાની લાયકાત અને અનુભવનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતે ‘બીએસસી એગ્રીકલ્ચર’ (B.Sc. Agriculture) નો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં વર્ષા પરિસંચલન, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ તેમજ કૃષિ હવામાનના ઊંડા અભ્યાસનો સમન્વય હોય છે. તેમણે પડકાર ફેંકતા વળતો પ્રહાર કર્યો કે, જે દિવસે ગુજરાતના જગતનો તાત એટલે કે ખેડૂતો મારી પાસે આગાહી માંગવાનું બંધ કરી દેશે, તે જ દિવસથી હું ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ.
વરતારાના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાતા હોવાનો વિજ્ઞાન જાથાનો દાવો
ગુજરાતમાં ચોમાસાના આગમન અને વરસાદના નવા રાઉન્ડને લઈને નક્ષત્રો અને સમુદ્રી પવનોની સ્થિતિના આધારે કેટલીક મોટી આગાહીઓ કરી હતી. આ આગાહીઓ સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા બાદ વિજ્ઞાન જાથા સક્રિય થયું હતું. વિજ્ઞાન જાથાનું માનવું છે કે આવી બિનવૈજ્ઞાનિક આગાહીઓથી ઘણીવાર ખેડૂતો વાવણી કે પાકની લણણી બાબતે ગેરમાર્ગે દોરાય છે, જ્યારે અંબાલાલ પટેલના સમર્થકોનું કહેવું છે કે તેમનું વર્ષોનું દેશી નુસખાઓ અને વાયુ ચક્રનું જ્ઞાન સત્તાવાર વિભાગો કરતાં પણ વધુ લોકભોગ્ય અને સચોટ સાબિત થાય છે. ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અંબાલાલ પટેલની આગાહીઓ ચર્ચાના કેન્દ્રમાં રહે છે. એક મોટો વર્ગ તેમની વાતો પર આંખ મીંચીને ભરોસો કરે છે, તો બીજી તરફ આધુનિક યુવા વર્ગ અને વૈજ્ઞાનિકો સરકારી હવામાન વિભાગની ચેતવણીઓને જ વધુ અધિકૃત ગણાવે છે.




