સિઝનના અંતિમ દિવસે 2,970 બોક્સ કેસર કેરીનું વેચાણ થયું
ગત વર્ષે 4 લાખ 49 હજાર 450 બોક્સનું વેચાણ થયું હતું, આ વર્ષે 4 લાખ 95 હજાર બોક્સનો વધારો નોંધાયો
- Advertisement -
55 ટન કેરી અમેરિકામાં, 20 ટન યુકેમાં, 12 ટન કેનેડામાં અને 4 ટન દુબઈમાં એર કાર્ગો મારફતે મોકલાઇ
ગિર પંથકની પ્રસિદ્ધ કેસર કેરી માટે ઓળખાતા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષની કેસર કેરીની સીઝનનું 61મા દિવસે સફળ સમાપન થયું છે. ગત વર્ષની સરખામણીએ સાત દિવસ વહેલી શરૂ થયેલી અને દસ દિવસ વધુ ચાલેલી આ સીઝનમાં કેરીના વેચાણ અને ખેડૂતોની આવક બંને મામલે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 19 એપ્રિલથી શરૂ થયેલી સીઝન 18 જૂનના રોજ પૂર્ણ થઈ હતી. અંતિમ દિવસે 2,970 બોક્સ કેસર કેરીનું વેચાણ થયું હતું. જેમાં ઉત્તમ ગુણવત્તાની કેરીનો ભાવ પ્રતિ બોક્સ રૂ. 820 સુધી પહોંચ્યો હતો, જ્યારે નબળી ગુણવત્તાની કેરી રૂ. 310 સુધી વેચાઈ હતી. અંતિમ દિવસે સરેરાશ ભાવ રૂ. 480 નોંધાયો હતો.
માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ આપેલી માહિતી મુજબ આ સમગ્ર સીઝન દરમિયાન 10 કિલોગ્રામના કુલ 9 લાખ 44 હજાર 500 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. ગત વર્ષે માત્ર 4 લાખ 49 હજાર 450 બોક્સનું વેચાણ થયું હતું. આ રીતે આ વર્ષે લગભગ 4 લાખ 95 હજાર બોક્સનો વધારો નોંધાયો છે.
- Advertisement -
ભાવની દ્રષ્ટિએ પણ ખેડૂતોને ફાયદો થયો છે. ગત વર્ષે સરેરાશ પ્રતિ બોક્સ રૂ. 560નો ભાવ મળ્યો હતો, જ્યારે આ વર્ષે સરેરાશ ભાવ રૂ. 570 રહ્યો હતો. પરિણામે કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને યાર્ડ મારફતે કુલ રૂ. 53 કરોડ 84 લાખની આવક થઈ હોવાનું જાણવા મળે છે. આ વર્ષે તાલાલા અને આસપાસના વિસ્તારોમાં સમગ્ર સીઝન દરમિયાન વાતાવરણ અનુકૂળ રહેતા કેરીનો આગોતરો તેમજ પાછોતરો પાક પણ સારી માત્રામાં મળ્યો હતો. પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થતા ખેડૂતોને વેચાણમાં સરળતા રહી હતી. ઉત્પાદનમાં થયેલા મોટા વધારાને કારણે અનેક ખેડૂતોને ડબલથી પણ વધુ આવક મળી હોવાનું માનવામાં આવે છે. સીઝનના સફળ સંચાલન બદલ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા, વાઇસ ચેરમેન ભરતભાઈ મકવાણા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો છે.
ખેડૂતોની આવકમાં ₹28.67 કરોડનો વધારો, તાલાલા પંથકમાં ₹150 કરોડના ઉત્પાદનનો અંદાજ
ગત વર્ષે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના વેચાણમાંથી ખેડૂતોને અંદાજે રૂ. 25 કરોડ 17 લાખની આવક થઈ હતી. તેની સામે આ વર્ષે સરેરાશ ભાવમાં વધારો અને વેચાણમાં બમણાથી વધુ વૃદ્ધિના કારણે ખેડૂતોને કુલ રૂ. 53 કરોડ 84 લાખની આવક થઈ છે. એટલે કે એક જ વર્ષમાં ખેડૂતોની આવકમાં આશરે રૂ. 28 કરોડ 67 લાખનો વધારો નોંધાયો છે. અનુભવીઓના અંદાજ પ્રમાણે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણ માટે આવેલા 9.44 લાખ બોક્સ ઉપરાંત અંદાજે 20 લાખ જેટલા કેસર કેરીના બોક્સ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય કેન્દ્રોમાં પણ પહોંચ્યા હતા. આને ધ્યાનમાં લેતાં સમગ્ર તાલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદનમાંથી રૂ. 150 કરોડથી વધુની આવક ખેડૂતોને થઈ હોવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાલાલા મેંગો પેક હાઉસથી 91 ટન કેસર કેરી વિદેશ પહોંચાડી
યુએસએ, યુકે, કેનેડા અને દુબઈમાં તાલાલાની કેસર કેરીની માંગ સૌથી વધુ છે. તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસ આ વર્ષે પણ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડે મુજબ આ સીઝનમાં પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કુલ 91 ટન કેસર કેરી વિદેશી બજારોમાં મોકલવામાં આવી હતી. પેક હાઉસના સંચાલકો વિપુલભાઈ સોરઠિયા અને દીપકભાઈ ચાંદેગરાએ જણાવ્યું હતું કે, આ સિઝનમાં 55 ટન કેરી અમેરિકામાં, 20 ટન યુકેમાં, 12 ટન કેનેડામાં અને 4 ટન દુબઈમાં એર કાર્ગો મારફતે મોકલવામાં આવી હતી. વિવિધ દેશોની માંગ મુજબ આકર્ષક પેકિંગ સાથે તૈયાર કરાયેલી કેસર કેરીને વિદેશી ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તાલાલા મેંગો પેક હાઉસના કારણે સ્થાનિક ખેડૂતોને નિકાસ માટેની સુવિધા સરળ બની છે, જેના કારણે કેસર કેરીને વૈશ્વિક બજારમાં વધુ ઓળખ મળી રહી છે.




