નવા પદાધિકારીઓ માટે આ પ્રથમ જનરલ બોર્ડ હોવાથી તેમની વહીવટી અને રાજકીય સૂઝબૂઝની પણ આકરી કસોટી થશે
બોર્ડમાં ભાજપના 19 નગરસેવકોએ વિવિધ 43 પ્રશ્ન રજૂઃ કેતન પટેલના આવાસ યોજનાના અને ટીપી શાખાના પ્રશ્નોથી બોર્ડનો પ્રારંભ થશે
- Advertisement -
જે વિભાગને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે તે વિભાગના અધિકારીની હાજરી ફરજિયાત રહેશે
રાજકોટ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ બાદ પ્રથમ જનરલ બોર્ડ આગામી 25 જૂનના ગુરુવારે મેયર ડો.નેહલની અધ્યક્ષતામાં મળશે. બોર્ડમાં ભાજપના 19 નગરસેવકોએ વિવિધ 43 પ્રશ્ન રજૂ કર્યા છે. બોર્ડમાં વોર્ડ નં.14ના ભાજપના કોર્પોરેટર કેતન પટેલના આવાસ યોજનાના અને ટાઉન પ્લાનિંગના વિવિધ પ્રશ્નોથી બોર્ડનો પ્રારંભ કરવામાં આવશે. જનરલ બોર્ડમાં એચ.પી. રૂપારેલિયાને સેક્રેટરી તરીકે નિમણૂક આપવાની એક માત્ર દરખાસ્ત અંગે નિર્ણય કરાશે. આ બોર્ડમાં ભાજપના વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતન પટેલના પ્રથમ પ્રશ્ન આવાસ યોજના વિભાગની છેલ્લા એક વર્ષની વિગતો આપવી, એક વર્ષમાં કેટલા આસામીઓ હપ્તા નથી ભરતા તેના પર શું કાર્યવાહી કરવામાં આવી. ખાલી આવાસોમાં ગેરકાયદેસર કબજો જમાવી રહેલા આસામીઓ ઉપર શું કાર્યવાહી કરવામાં આવી તેમજ ટાઉન પ્લાનિંગ શાખાની કુલ સ્ટાફની વિગતોની કામગીરી સહિતના પ્રશ્નની ચર્ચા થશે. જ્યારે કોંગ્રેસના દીપ્તિબેન સોલંકીએ મેયરે રદ કરેલા પ્રોજેક્ટોની વિગત માગી છે. બીજો પ્રશ્ન વોર્ડ નં.5ના કોર્પોરેટર સંજય ચાવડાએ ગાર્ડન શાખા સહિતના 3 પ્રશ્ન રજૂ કર્યા છે. મેયર ડો.નેહલ શુક્લની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં કોર્પોરેટરોને જનરલ બોર્ડમાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્ન પૂછવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી પાર્ટી લાઈન મુજબ જ પ્રશ્નો પૂછવાની પ્રથા હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ જે વિભાગને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે તે વિભાગના અધિકારીની હાજરી ફરજિયાત રહેશે. જો સંબંધિત અધિકારી હાજર નહીં હોય તો તે વિભાગના એએમસી અથવા ડીએમસીએ જવાબ આપવો પડશે. આ નિર્ણયથી જનરલ બોર્ડની કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બનશે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- Advertisement -




