કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે રાજકોટમાઃ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી
ગરીબ અને પછાત વર્ગના તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન અપાયું
- Advertisement -
સમીક્ષા બેઠકમાં કલેક્ટર, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલેની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, ગરીબો, વંચિતો, વૃદ્ધો અને વિધવા મહિલાઓને સામાજિક અને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તે માટેના સહિયારા પ્રયાસને વધુ સક્રિય બનાવવો જરૂરી છે. આ તકે તેમણે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અમલી હોવાનું જાણી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. બેઠકમાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના આનંદબા ખાચરે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ, વિકસતિ જાતિ, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓમાં છાત્રો માટે રહેણાંક, સ્કોલરશીપ, આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરું, મરણોત્તર યોજના, ગ્રામ્યમાં ગેપ ફીલિંગ દૂર કરતી અભ્યુદમ યોજના, વયોશ્રી યોજના, દિવ્યાંગો માટે સાધન સહાય સહિતની યોજનાની અમલવારીની માહિતી પૂરી પાડી હતી. રાજકોટ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકામાં અનુસુચિત જાતિના સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા તેમજ પછાત વર્ગના કર્મચારીઓની સહભાગિતા અંગે પણ મંત્રીને માહિતગાર કર્યા હતાં. આ બેઠકમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર જયકુમાર બારોટ, વિકસતી જાતિ નાયબ નિયામક ડી.એસ. પીપળીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ, રાઠોડ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.




