ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે એક્શન મોડમાં : NDPS કાયદાની અમલવારી વધુ સઘન બનાવવા નિર્ણય
અગાઉ માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ જ નશા સંબંધિત કાર્યવાહી કરતા હતા
- Advertisement -
NDPS કેસોની શોધખોળ, તપાસ અને મજબૂત પુરાવા એકત્રિત કરનારા પોલીસ કર્મીઓને ઇનામો અને સન્માન આપવાની જાહેરાત
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા ખતરાને અટકાવવા ગુજરાત પોલીસે હવે વધુ આક્રમક અને વ્યાપક અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની કાર્યવાહી વધુ સઘન બનાવવા સાથે રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવશે. આ નિર્ણય રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારની ઝીરો-ટોલરન્સ નીતિ મુજબ ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રગ્સના વેપારીઓ, પેડલરો અને તેમના નેટવર્ક પર સતત નજર રાખી ગુપ્તચર માહિતીના આધારે અસરકારક દરોડા અને કાર્યવાહી હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
આ બેઠકમાં લેવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય મુજબ હવે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવાની અને નોંધવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પૂરતી મર્યાદિત નહીં રહે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની અંદર ડ્રગ્સના વેચાણ, સંગ્રહ, હેરફેર અને વિતરણ સંબંધિત ગુનાઓ શોધવા, આરોપીઓને પકડવા અને કેસ નોંધવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે ડ્રગ્સ વિરોધી કામગીરી હવે સ્થાનિક પોલીસિંગનો અભિન્ન ભાગ બનશે.
બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોઈ બાહ્ય તપાસ એજન્સી દ્વારા કોઈ પોલીસ સ્ટેશનની હદમાં NDPS ગુનો નોંધવામાં આવશે તો તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ પગલાથી સ્થાનિક સ્તરે વધુ સતર્કતા અને જવાબદારી વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ડ્રગ્સ વિરોધી ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. તેના ભાગરૂપે ડ્રગ્સના વેપાર, વિતરણ અને દુરુપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પોલીસને સૂચના આપવામાં આવી છે કે અમલવારી દરમિયાન પકડાયેલા વ્યસનીઓની પણ વિગતવાર પૂછપરછ કરવામાં આવે, જેથી નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન સુધી પહોંચી શકાય, સપ્લાયરોની ઓળખ થઈ શકે અને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.
ડ્રગ્સના વેચાણ, વિતરણ અને હેરફેરમાં સંકળાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સાથે ગુજરાત પોલીસે માનવતાવાદી અભિગમ પણ અપનાવ્યો છે. નશાની લતથી પ્રભાવિત વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં પરત લાવવા માટે કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપવામાં આવશે. આ રીતે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં કાયદાકીય અમલવારી અને સામાજિક પુનર્વસન – બંને પાસાઓને સમાન મહત્વ આપવામાં આવશે. ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે NDPS કેસોની સફળ શોધખોળ, તપાસ અને આરોપીઓ સામે મજબૂત પુરાવા એકત્રિત કરનારા પોલીસ કર્મચારીઓને યોગ્ય ઇનામો અને સન્માન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસના આ નવા અભિગમથી ડ્રગ્સ માફિયાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી શક્ય બનશે અને ગુજરાતને નશામુક્ત બનાવવાના પ્રયાસોને નવી ગતિ મળશે.




