વિરાણી સ્કૂલ સામે બાળકોની હોસ્પિટલને અડોઅડ રાખવામાં આવેલા ગેસ સિલિન્ડર હટાવવામાં નહીં આવ્યા તો…!
ડિવાઈન હોસ્પિટલની બાજુમાં જ લા પિનોઝ પિત્ઝા પાર્લરના ગેસ સિલિન્ડર મોટી હોનારત સર્જી શકે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલમાં જ દિલ્હીની એક રેસ્ટોરન્ટ-હોટેલમાં અગ્નિકાંડ સર્જાતા 21 નિર્દોષને જીવ ગુમાવવા પડ્યા હતા તો રાજકોટ નજીક ઠાકર ધણી રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાઓ વચ્ચે તંત્ર દ્વારા એક તરફ જાહેર સ્થળોએ સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન થતું હોવાના દાવા કરવામાં આવે છે અને બીજી તરફ શહેરમાં કેટલીયે જગ્યાએ રેસ્ટોરન્ટ-હોટેલમાં સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો શહેરના રામકૃષ્ણ નગર વિસ્તારમાં વિરાણી સ્કૂલ સામે મેઈન રોડ પર આવેલા લા પિનોઝ પિત્ઝા પાર્લરમાં પણ સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડી ગયા છે.
ડિવાઈન ચાઈલ્ડ કેર હોસ્પિટલની બિલકુલ બાજુમાં જ લા પિનોઝ પિત્ઝા પાર્લર આવેલું છે. આ પિત્ઝા પાર્લર દ્વારા તેમના વ્યવસાયિક ઉપયોગ માટેના અનેક ગેસ સિલિન્ડરોને ખુલ્લામાં, હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારની નજીક જ એક લોખંડની જાળીમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ જ્યાં નવજાત બાળકો અને ગંભીર દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય ત્યાં જ્વલનશીલ ગેસ સિલિન્ડરોનો આ રીતે ખુલ્લેઆમ સંગ્રહ કરવો તે ગંભીર જોખમ નોતરી શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો અહીં કોઈ પણ પ્રકારની આગ લાગે અથવા ગેસ લીકેજની ઘટના બને તો તેની સીધી અસર હોસ્પિટલમાં રહેલા દર્દીઓ પર પડે તેમ છે. અહીં મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર હોય છે, આવી બેદરકારી કોઈપણ ભોગે ચલાવી લેવી જોઈએ નહીં. સિલિન્ડરોને સીધા સૂર્યપ્રકાશ, ગરમીના સ્ત્રોત કે ભીડભાડવાળી જગ્યાએથી દૂર રાખવા જોઈએ. હોસ્પિટલ જેવી જાહેર સંસ્થાની બાજુમાં આટલા મોટા પ્રમાણમાં સિલિન્ડર રાખવા તે ફાયર સેફ્ટીના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ઉનાળાના દિવસોમાં વધતી ગરમીને કારણે સિલિન્ડરમાં ગેસનું દબાણ વધવાનું જોખમ રહેલું છે. નાનકડી ચિનગારી પણ અહીં મોટી હોનારત સર્જી શકે છે. આ સમયે સવાલ ઉદ્દભવે છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે પિત્ઝા પાર્લરની બહાર અને હોસ્પિટલની અડોઅડ રાખવામાં આવેલા આ ગેસ સિલિન્ડરોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં જોઈએ. હોસ્પિટલ અને ફૂડ આઉટલેટ જેવી જગ્યાએ સુરક્ષાના ધોરણો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ એવું સ્થાનિકોનું મંતવ્ય છે.



