સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર હેઠળ કાર્યરત ‘ઇન્ડેપ્રો ડાયનેમિક્સ’ની વૈશ્ર્વિક મંચ જોવા મળશે
ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર અને આઈઆઈટીની કોર કમિટી આ પ્રોજેક્ટની પસંદગી કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર બની રહ્યું છે. રાજ્યના યુવાનો નવીન સંશોધન અને ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સ દ્વારા વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. આવી જ એક નોંધપાત્ર સિદ્ધિ રાજકોટની ‘ઇન્ડેપ્રો ડાયનેમિક્સ’ સ્ટાર્ટ-અપે હાંસલ કરી છે, જેના કારણે ભારત, ગુજરાત અને રાજકોટનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઊઠ્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગના ભાગરૂપે આગામી 14થી 16 જૂન દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં પ્રતિષ્ઠિત ‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમ યોજાવાનો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ 100 દીર્ઘ-તકનીકી સ્ટાર્ટ-અપ્સને વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગજગત સમક્ષ પોતાની ટેક્નોલોજી રજૂ કરવાની તક મળશે.
આ કાર્યક્રમ માટે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા સ્ટાર્ટ-અપ્સમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતમાંથી માત્ર રાજકોટની ‘ઇન્ડેપ્રો ડાયનેમિક્સ’ની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર અને આઈઆઈટીની કોર કમિટી દ્વારા આ પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટના યુવા સાહસિકો દ્વારા વિકસાવવામાં આવેલી આ સ્વદેશી ડ્રોન મોટર્સ વૈશ્વિક બજારમાં ચીન, અમેરિકા, રશિયા, સાઉથ કોરિયા અને જર્મની જેવા દેશોની મજબૂત હાજરીને પડકાર આપવાની ક્ષમતા ધરાવે છે. સ્ટાર્ટ-અપ દ્વારા વિકસાવવામાં આવેલી ‘હમિંગબર્ડ’, ‘ફાલ્કન’, ‘ઇગલ’ અને ‘કોન્ડર’ શ્રેણીની મોટર્સ કૃષિ, સુરક્ષા, સંરક્ષણ, ઇન્ડસ્ટ્રીયલ મોનિટરિંગ તેમજ સ્માર્ટ સિટી જેવા ક્ષેત્રોમાં ઉપયોગી બની રહી છે.
સ્ટાર્ટ-અપના જણાવ્યા અનુસાર, વિદેશી ડ્રોન સામાન્ય રીતે 40થી 45 મિનિટ સુધી હવામાં રહી શકે છે, જ્યારે રાજકોટમાં વિકસાવવામાં આવેલા ડ્રોન એક કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરવા સક્ષમ છે. આ સિદ્ધિ ભારતીય એન્જિનિયરોની સંશોધન ક્ષમતા અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ‘ઇન્ડેપ્રો ડાયનેમિક્સ’ હાલમાં ડ્રોન ટેક્નોલોજીના સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘પ્રોપલ્ઝન સિસ્ટમ્સ’ અને ‘હાઇ-પર્ફોર્મન્સ મોટર્સ’ના સંશોધન અને વિકાસમાં કાર્યરત છે. કંપનીએ 100 ગ્રામથી લઈને 100 કિલોગ્રામ સુધીના ડ્રોન માટે ઉપયોગી 20થી વધુ પ્રકારની મોટર્સ વિકસાવી છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ દેશની અગ્રણી સંસ્થાઓ ઇસરો અને ડીઆરડીઓમાં પણ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ બાદ વર્ષ 2027માં તાઇવાન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પણ ભારત સરકાર દ્વારા ‘ઇન્ડેપ્રો ડાયનેમિક્સ’ને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે કંપની અને રાજકોટ માટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાય છે. આ સમગ્ર ઘટના એ વાતનો પુરાવો છે કે ગુજરાત હવે માત્ર પરંપરાગત ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે. રાજકોટની આ સફળતા દેશના યુવા સ્ટાર્ટ-અપ્સ માટે પ્રેરણારૂપ બની છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સ્વપ્નને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ડ્રોન મોટર્સ માટે વિશ્ર્વ આજે પણ મોટા પ્રમાણમાં ચીન પર નિર્ભર છે : ચીફ ટેકનિકલ ઓફિસર જયદીપ વિરમગામા
સ્ટાર્ટ-અપના ચીફ ટેકનિકલ ઓફિસર જયદીપ વિરમગામાએ જણાવ્યું હતું કે ડ્રોન મોટર્સ માટે વિશ્વ આજે પણ મોટા પ્રમાણમાં ચીન પર નિર્ભર છે, પરંતુ તેની વિશ્વસનીયતા અંગે સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે. કંપની દ્વારા વિકસાવવામાં આવેલી 20 પ્રકારની મોટર્સ ગુણવત્તા અને ઊર્જા કાર્યક્ષમતાના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની મોટર્સ ચાઇનીઝ મોટર્સ કરતાં 95 ટકા વધુ ભરોસાપાત્ર છે, જે સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ડેટા સુરક્ષા તેમજ હાર્ડવેર આત્મનિર્ભરતા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ફ્રાન્સના આ વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા આંતરરાષ્ટ્રીય ફંડિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને યુરોપિયન બજારમાં પ્રવેશ માટે નવી તકો ઊભી થશે. કંપનીનું લક્ષ્ય ભારતને ડ્રોન પ્રોપલ્ઝન સિસ્ટમ્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનું છે, જેથી દેશ મોટર્સની આયાત પર નિર્ભર ન રહે અને વિશ્વને શ્રેષ્ઠ ટેક્નોલોજીની નિકાસ કરી શકે.
- Advertisement -
રાજકોટમાં વિકસાવાયેલી પ્રોડક્ટ આજે વૈશ્ર્વિક મંચ સુધી પહોંચી છે: સીઈઓ પરાગભાઈ જોબનપુત્રા
સ્ટાર્ટ-અપના સીઈઓ પરાગભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે વૈશ્વિક રોકાણકારો સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી એ ગૌરવની ક્ષણ છે. રાજકોટમાં વિકસાવાયેલી પ્રોડક્ટ આજે વૈશ્વિક મંચ સુધી પહોંચી છે, જેના પાછળ સંપૂર્ણ ઇકોસિસ્ટમનું યોગદાન રહેલું છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ સેલ અને ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપ ફ્રેન્ડલી નીતિઓનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ સહયોગના કારણે જ સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં આગળ વધવું શક્ય બન્યું છે.



