‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો, મને પણ પ્રોટેક્શન આપો’ : પીપળીયા
અરજીના સંદર્ભમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા બોલાવ્યા હતા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. આ પહેલાં જ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં છે અને બે અરજી કરી છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે.
એક સનાતની તરીકે હનુમાન કથા સામે કોઈ વાંધો નથીઃ પીપળીયા
પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, ગઈકાલે તેમણે કરેલી બે અરજીઓના સંદર્ભમાં આજે તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી અને એક સનાતની તરીકે અમે તેનું સ્વાગત કરીએ છીએ. કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત ‘દિવ્ય દરબાર’ જે વાસ્તવમાં પ્રેત દરબાર છે, તેનો અમે વિરોધ કરીએ છીએ અને તેને રદ કરવા માટે જ અરજી કરી છે.
- Advertisement -
‘ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ અમને પણ પોલીસ પ્રોટેક્શન આપો’
આ દરબારમાં આવવા માટે અમને માત્ર મીડિયાના માધ્યમથી જાહેર આમંત્રણ અપાયું છે, કોઈ સત્તાવાર પત્રિકા કે લેખિત આમંત્રણ મળ્યું નથી. તેથી, જ્યાં સામાન્ય જનતા જવાની છે ત્યાં અમે પણ ઉપસ્થિત રહેવાના છીએ. અમારી મુખ્ય માંગણી એ છે કે, જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જઈ રહેલા તેમના આલોચકોને પણ સુરક્ષા મળવી જોઈએ. આ હેતુથી જ અમે બે અલગ-અલગ અરજીઓ કરી છે, જેમાં એક દિવ્ય દરબાર રદ કરવાની અને બીજી અમારા માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતી અરજી છે.




