આસ્થા ચોક નજીકના RMC ગ્રાઉન્ડમાં ભરાતી બજાર સામે રહેવાસીઓની નારાજગી
બજારને અન્ય સ્થળે ખસેડવા અથવા બંધ કરવાની આસપાસના લોકોમાં ઉઠી માંગ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલનગર વિસ્તારમાં દર ગુરુવારે ભરાતી ગુરુવારી બજારને લઈને સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. આસ્થા ચોક પાસે આવેલા RMC ગ્રાઉન્ડમાં યોજાતી આ બજારના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ગંદકી, ટ્રાફિકજામ અને ઘોંઘાટ જેવી સમસ્યાઓ સર્જાતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સતત વધતી મુશ્કેલીઓના કારણે રહેવાસીઓએ હવે બજારને અન્યત્ર ખસેડવા અથવા બંધ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર ગુરુવારે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખરીદદારો બજારમાં આવતા હોવાથી વિસ્તારના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધી જાય છે. બજાર દરમિયાન અને ત્યારબાદ લાંબા સમય સુધી ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી રહેવાસીઓ તેમજ રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બજારમાં આવતા લોકોના અવાજ અને સતત રહેલી ચહલપહલના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોની શાંતિ પણ ખોરવાતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ગંદકીનો મુદ્દો પણ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બજાર પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકની થેલીઓ, ખાદ્યપદાર્થોના અવશેષો અને અન્ય કચરાના ઢગલા જોવા મળતા હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે. બજાર બાદ યોગ્ય સફાઈ ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ ઊભી થઈ રહી છે.
- Advertisement -
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે બજાર બાદની સ્થિતિ અને સ્થાનિકોની સમસ્યાઓ દર્શાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વીડિયો વાયરલ થતાં અનેક લોકોએ પોતાના અનુભવ અને ફરિયાદો પણ જાહેર કરી છે, જેના કારણે મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જાહેર સુવિધા અને વેપાર બંને જરૂરી છે, પરંતુ રહેણાંક વિસ્તારની વચ્ચે યોજાતી બજારના કારણે લોકોના દૈનિક જીવન પર નકારાત્મક અસર પડી રહી છે. તેથી મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રએ સ્થળ પર નિરીક્ષણ કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગ ઉઠી છે. હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં શરૂ થયેલી ચર્ચા બાદ હવે સ્થાનિકોની રજૂઆતને લઈને તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




