વાહનોના સૌથી વધુ રજિસ્ટ્રેશનમાં સુરત પ્રથમ, અમદાવાદ બીજા જ્યારે રાજકોટ ત્રીજા સ્થાને
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાંથી છેલ્લા પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 5.80 લાખ વાહનો વેચાયા છે. આમ, ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1600 કારનું વેચાણ થયું છે. આ વર્ષે કારનું સૌથી વધુ વેચાણ થયું હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. આ વર્ષે દેશમાંથી સૌથી વધુ વાહનોના રજિસ્ટ્રેશન થયું હોય તેમાં ઉત્તર પ્રદેશ મોખરે, મહારાષ્ટ્ર બીજા, તામિલનાડુ ત્રીજા, કર્ણાટક ચોથા અને ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ વાહનોના રજિસ્ટ્રેશનમાં સુરત આરટીઓ મોખરે છે. આ સિવાય અમદાવાદ બીજું, રાજકોટ ત્રીજું વડોદરા ચોથું જ્યારે અમદાવાદ ઈસ્ટ પાંચમું સ્થાન ધરાવે છે.
ગુજરાતમાંથી વર્ષ 2022માં 15.69 લાખ, 2023માં 18.21 લાખ, 2024માં 18.99 લાખ, 2025માં 20.90 લાખ વાહનો રજિસ્ટર્ડ થયા હતા. ઈધણના પ્રકાર પ્રમાણે વાહનોના વેચાણની વાત કરવામાં આવે તો પેટ્રોલથી સંચાલિત સૌથી વધુ 2.10 લાખ વાહનો વેચાયા છે. જેની સરખામણીએ ડીઝલથી ચાલતા વાહનો તેનાથી અડધા 1.05 લાખ વેચાયા છે.
મોંઘા ઈધણ અને ભવિષ્યની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ અને આ થક રીતે પરવડે તેવા વિકલ્પો શોધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યની વિવિધ ડિલરશિપ પર ઈલેક્ટ્રિક વાહનો માટેની પૂછપરછમાં 200થી 300 ટકા સુધીનો અભૂતપૂર્વ વધારો થયો છે. જોકે વેચાણના આંકડા મુજબ વેંચાણમાં 111 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2025 અને 2026 વચ્ચેના આંકડાની સરખામણી કરતા જણાય છે કે ઈવી સેક્ટરમાં ગ્રોથ ડબલ થયો છે. માર્ચ 2025માં ગુજરાતમાં કુલ 5,271 ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જે આ વર્ષે એટલે કે માર્ચ 2026માં વધીને 11,126 પર પહોંચ્યા છે.



