નર્મદા, મહી, સાબરમતી અને ધાધર જેવી નદીઓનું પાણી અરબી સમુદ્રમાં વહેતું અટકાવી સંગ્રહિત કરવામાં આવશે
જળ વ્યવસ્થાપનમાં વૈશ્વિક ભાગીદારી: ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે કોસ્ટલ એન્જિનિયરિંગ અને વોટર મેનેજમેન્ટ માટે એમઓયુ થયા
- Advertisement -
નેધરલેન્ડ્સના ડેલ્ટા વર્ક્સ, ઇજિપ્તના અસ્વાન ડેમ અને અમેરિકાના ટેનેસી વેલી પ્રોજેક્ટની જેમ પરિવર્તનનો ઇતિહાસ લખવા તરફ આગળ વધતું ગુજરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કલ્પસર પ્રોજેક્ટ માટે એક ઐતિહાસિક ટેકનિકલ સહકારનો કરાર કરવામાં આવ્યો છે, જેના હેઠળ ભારતનું જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય સાથે મળીને કોસ્ટલ એન્જિનિયરિંગ, વોટર મેનેજમેન્ટ અને ટેકનિકલ અભ્યાસ ક્ષેત્રે સંયુક્ત કામગીરી કરશે. ગુજરાતના ખંભાતની ખાડી વિસ્તારમાં પ્રસ્તાવિત કલ્પસર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નર્મદા, મહી, સાબરમતી અને ધાધર જેવી નદીઓનું પાણી અરબી સમુદ્રમાં વહેતું અટકાવીને દુનિયાનું સૌથી મોટું તાજા પાણીનું કોસ્ટલ રિઝર્વોઇર બનાવવાનો છે, જેની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો રોડ અને રેલ કોરિડોર પણ આકાર લેશે.
સમગ્ર વિશ્વમાં સમુદ્રી બાંધકામ અને ડાઇક સિસ્ટમ માટે જાણીતા નેધરલેન્ડ્સ સાથેનો આ કરાર પ્રધાનમંત્રીની લાંબા ગાળાની વિકાસ દ્રષ્ટિનું પ્રતિબિંબ છે, જે કલ્પસર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ટેકનિકલ વિશ્વસનીયતા આપશે. ભારતીય સંસ્કૃતિમાં સમૃદ્ધિના પ્રતિક સમાન ‘કલ્પવૃક્ષ’ અને ગંગા અવતરણના ‘ભગીરથ પ્રયત્ન’ જેવી ભવ્ય કલ્પના ધરાવતો આ પ્રોજેક્ટ 1980ના દાયકામાં એન્જિનિયર ડો. અનિલ કાણેના ટેકનિકલ વિઝન બાદ સતત ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીની અછત, જમીનમાં વધતી ખારાશ અને ભૂગર્ભ જળના ઘટાડાને રોકવા માટે આ પ્રોજેક્ટ ગુજરાતનું દાયકાઓ જૂનું મોટું સ્વપ્ન છે. આબોહવા પરિવર્તનના આ યુગમાં પાણી સૌથી વ્યૂહાત્મક સંસાધન બની ગયું છે, ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કલ્પસર જેવી જળ સુરક્ષા અને ક્લાઇમેટ રિઝિલિયન્સ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અગાઉ નેધરલેન્ડ્સના ઝુઈડરઝી, ઇજિપ્તના અસ્વાન હાઇ ડેમ અને અમેરિકાના ટેનેસી વેલી ઓથોરિટી જેવા વૈશ્વિક પ્રોજેક્ટ્સે જે તે દેશોના અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રનો નકશો બદલી નાખ્યો હતો, તે જ રીતે કલ્પસર પણ ગુજરાત માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે તેમ છે. જો કે, ખંભાતની ખાડી એક સંવેદનશીલ મરીન ઇકોસિસ્ટમ હોવાથી જૈવ વૈવિધ્યતા, માછીમારી અને સેડિમેન્ટેશન જેવા પર્યાવરણીય મુદ્દાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવું એ ભારત સામેનો સાચો પડકાર રહેશે.
કલ્પસર યોજના એ માત્ર પાણી સંગ્રહ માટેનો ડેમ નથી, પરંતુ તે પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઇમેટ રિઝિલિયન્સ, પ્રાદેશિક વિકાસ અને રાષ્ટ્રીય પરિવર્તન વચ્ચેના સંબંધને વૈશ્વિક સ્તરે ફરીથી વ્યાખ્યાયિત કરવાનો એક ઐતિહાસિક પ્રયાસ છે. જો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સંપૂર્ણ જવાબદારીપૂર્વક, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને ટકાઉ (સસ્ટેનેબલ) રીતે અમલમાં મૂકવામાં આવે, તો કલ્પસર ગુજરાતના આધુનિક ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનું એક સાબિત થઈ શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે-તે પ્રદેશની અર્થવ્યવસ્થાઓ બદલે છે, જ્યારે અભેદ્ય જળ સુરક્ષા આખી સંસ્કૃતિઓને નવું જીવન અને નવી દિશા આપે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું લાંબા સમયથી જોવાતું આ સ્વપ્ન અને કલ્પસરનો વિચાર ઘણા દાયકાઓ જૂનો છે. 1960 અને 1970ના દાયકામાં ખંભાતની ખાડીમાં પાણી અને જ્વારભાટા આધારિત સંભાવનાઓ અંગે પ્રાથમિક વિચારણા શરૂ થઈ હતી, જેને 1980ના દાયકામાં પ્રખ્યાત એન્જિનિયર ડો. અનિલ કાણેએ આધુનિક ટેકનિકલ સ્વરૂપ આપ્યું હતું અને ત્યારબાદ તેના પર વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો હાથ ધરાયા હતા. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી પાણીની ગંભીર અછત, જમીનમાં સતત વધતી ખારાશ અને ભૂગર્ભ જળના ચિંતાજનક ઘટાડાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ધીમે ધીમે એક મોટા લોક-સ્વપ્ન તરીકે વિકસ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે આજે પણ મૂળ પ્રશ્ન એ જ છે કે, શું ગુજરાત આ મેગા પ્રોજેક્ટ દ્વારા પોતાના પાણીના ભવિષ્યને મૂળભૂત રીતે બદલી શકશે? આ સવાલ આજે પણ એટલો જ પ્રાસંગિક અને મહત્વનો બની રહ્યો છે.
પાણીની અછત દૂર કરવા સેવાયેલું ગુજરાતનું મહત્વાકાંક્ષી જળ-સ્વપ્ન એટલે કલ્પસર
- Advertisement -
ગુજરાતના ખંભાતની ખાડી વિસ્તારમાં પ્રસ્તાવિત “કલ્પસર” યોજનાના નામમાં જ ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાની ઊંડી છાપ જોવા મળે છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ ’કલ્પ’ એટલે વિશાળ સમયચક્ર, સતતતા અને પરિવર્તનકારી દ્રષ્ટિ, જ્યારે ‘સર’ અથવા ’સરોવર’નો અર્થ એક વિશાળ જળાશય થાય છે. ભારતીય સંસ્કૃતિમાં જે રીતે સમૃદ્ધિ, સુખાકારી અને જીવન નિર્વાહના પ્રતિક સમાન દૈવી ’કલ્પવૃક્ષ’ની કલ્પના છે, કલ્પસર એ જ વિચારનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વરૂપ છે, જે આવનારી પેઢીઓ સુધી વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિનો મજબૂત આધાર બની રહેશે. આ પ્રોજેક્ટ આધુનિક ભારત માટે એક પ્રખ્યાત સાંસ્કૃતિક કલ્પના “ભગીરથ પ્રયત્ન” સમાન છે. જેવી રીતે રાજા ભગીરથે પોતાની અદમ્ય તપસ્યા અને અસાધારણ પ્રયત્નોથી જીવનદાયી ગંગાને પૃથ્વી પર લાવી જનકલ્યાણ કર્યું હતું, તેવી જ રીતે આધુનિક ભારત કલ્પસર દ્વારા પાણીની સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવાનો એક અસામાન્ય પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય વિચારધારાએ હંમેશાં સ્વીકાર્યું છે કે પાણી માત્ર એક કુદરતી સંસાધન નથી, પરંતુ તે સમાજની સતતતા, સુખાકારી અને સામૂહિક જીવનનો મુખ્ય સ્ત્રોત છે. આ જ કારણ છે કે કલ્પસર” એ માત્ર એક ટેકનિકલ નામ નથી, પણ ઉજ્જવળ ભવિષ્ય માટેની એક સચોટ વિકાસ દ્રષ્ટિ છે.



