સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે ફૂડ વિભાગનો ફરી એકવાર સપાટો
દૂધ મસ્તી મલાઈ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળ્યુ: બંસી ડેરી સામે એજ્યુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે
- Advertisement -
રાજકોટવાસીઓ સાવધાન: તમે જે પનીર હોંશે હોંશે આરોગો છો તે ‘હેલ્ધી’ છે કે ‘ધીમું ઝેર’?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુખાકારી માટે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ અને નમૂના લેવાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવી છે. આ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલા પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 18 જેટલા ધંધાર્થીઓને ત્યાં વ્યાપક ચેકિંગ હાથ ધરીને વધુ 5 નમૂના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે.
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગોંડલ રોડ પર કોઠારીયા વિસ્તારમાં સમ્રાટ દાળમીલ પાછળ, સ્માર્ટ પ્લાસ્ટિક (પ્લોટ નં. 239) ખાતે આવેલી “બંસી ડેરી (ઉત્પાદક પેઢી)” માંથી લેવામાં આવેલ “DOODH MASTI MALAI PANEER” (1 કિલો પેકિંગ) નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવતા “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયો છે, જે અંગે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વધુ 5 શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લેવાયા છે. જેમાં સાધુવાસવાણી રોડ પર આવેલા ’રંગોલી આઇસ્ક્રીમ’માંથી કેશર પિસ્તા આઇસ્ક્રીમ અને પાઈનેપલ આઇસ્ક્રીમ શ્રીખંડ, સાધુવાસવાણી મેઇન રોડ પરના ’ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ’માંથી કિંગ્ઝ ડીલાઇટ આઇસ્ક્રીમ તેમજ લક્ષ્મીનગર મહાદેવવાડી મેઇન રોડ પર આવેલી ’શ્રી ગાયત્રી ડેરી પ્રોડક્ટ’માંથી ડ્રાયફ્રુટ શ્રીખંડ અને પનીરના લૂઝ નમૂનાનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી તરફ, ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ-80 ફૂટ રોડ તથા અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન રાધિકા રેસ્ટોરન્ટ, ગુરુનાનક સિઝન ગોલા, દ્વારકાધીશ સિઝન સ્ટોર અને નીલકંઠ આઇસ ડિશને લાઇસન્સ મેળવવા બાબતે કડક સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારેશ્વર ફરસાણ, સ્મોલ બાઇટ, સોનલ ભેળ, ઓમ આઇસ્ક્રીમ રેસ્ટોરન્ટ, ક્રિશ્ના રેસ્ટોરન્ટ, વિલિયમ જોહન્સ પિઝા, રાજૂ રેસ્ટોરન્ટ, વૈશાલી રેસ્ટોરન્ટ, યાદવ રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ ઠકર રેસ્ટોરન્ટ, જલારામ ગોલા, એન્જલ સોડા અને રાજ આઇસ્ક્રીમ સહિતના ધંધાર્થીઓને ત્યાં પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.



