‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’ અહેવાલમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતની જેલોમાં વધતી કેદીઓની સંખ્યા હવે રાજ્યના કાનૂની અને વહીવટી તંત્ર માટે ગંભીર પડકાર બની રહી છે. ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા વર્ષ 2024’ના અહેવાલમાં રાજ્યની જેલોની ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. અહેવાલ મુજબ રાજ્યની વિવિધ જેલોમાં ઉપલબ્ધ ક્ષમતા કરતાં ઘણાં વધુ કેદીઓ બંધ છે, જેના કારણે જેલોમાં ભીડ, સુરક્ષા, આરોગ્ય અને માનવ અધિકારો સંબંધિત પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે.
અહેવાલ અનુસાર ગુજરાતની જેલોમાં કુલ 14,108 કેદીઓને રાખવાની સત્તાવાર ક્ષમતા છે, પરંતુ હાલ 17,766 કેદીઓ જેલમાં બંધ છે. એટલે કે રાજ્યની જેલોમાં ક્ષમતાની સરખામણીએ લગભગ 125 ટકા સુધી કેદીઓનો બોજો વધી ગયો છે.
રાજ્યની સેન્ટ્રલ જેલોમાં સૌથી વધુ ભારણ જોવા મળી રહ્યું છે. ચાર સેન્ટ્રલ જેલોમાં 7,740 કેદીને રાખવાની ક્ષમતા સામે 10,556 કેદી હાલ બંધ છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ જેલોમાં 3,926ની ક્ષમતા સામે 4,567 કેદીઓ અને સબ જેલોમાં 1,180ની ક્ષમતા સામે 1,815 કેદીઓ હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની લગભગ દરેક જેલમાં ક્ષમતાથી વધુ કેદીઓ રાખવામાં આવી રહ્યા છે. અહેવાલમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે જેલોમાં મોટા પ્રમાણમાં એવા કેદીઓ છે જેઓ હજુ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની જેલોમાં કુલ 12,286 અંડરટ્રાયલ કેદીઓ છે, જે કુલ કેદીઓના લગભગ 69.20 ટકા થાય છે. તેમાં 11,810 પુરુષ, 474 મહિલા અને 2 ટ્રાન્સજેન્ડર કેદીઓનો સમાવેશ થાય છે. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે કેસોની લાંબી ચાલતી સુનાવણી, કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અને સમયસર ચુકાદા ન આવવાને કારણે અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા કેદીઓ વર્ષો સુધી અંતિમ ચુકાદા વગર જ જેલમાં રહેતા હોવાના મુદ્દા પર પણ વારંવાર ચર્ચા થતી રહી છે. ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’નો આ અહેવાલ માત્ર આંકડાઓ નહીં પરંતુ રાજ્યની જેલ વ્યવસ્થા સામે ઊભેલા ગંભીર પ્રશ્નો અને સુધારાની તાત્કાલિક જરૂરિયાત તરફ પણ સ્પષ્ટ સંકેત આપે છે.
દોષિત કેદીઓનું પ્રમાણ 29.40%
ગુજરાતની જેલોમાં હાલમાં કુલ 5,231 દોષિત કેદીઓ સજા ભોગવી રહ્યા છે. તેમાં 5,071 પુરુષ, 157 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર કેદીઓનો સમાવેશ થાય છે. આ આંકડો કુલ કેદીઓના 29.40 ટકા જેટલો થાય છે. ઉપરાંત 249 કેદીઓ ડિટેઈની તરીકે નોંધાયેલા છે. રાજ્યની ચાર સેન્ટ્રલ જેલોમાં જ 4,370 પુરુષ, 99 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર દોષિત કેદીઓ સજા ભોગવી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ગંભીર ગુનાઓમાં દોષિત ઠરેલા મોટાભાગના કેદીઓને સેન્ટ્રલ જેલોમાં રાખવામાં આવે છે.
શિક્ષિત કેદીઓની નોંધપાત્ર સંખ્યા
અહેવાલમાં સામે આવેલી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે જેલોમાં સજા ભોગવી રહેલા ઘણા કેદીઓ શિક્ષિત પણ છે. દોષિત કેદીઓમાં 64 પોસ્ટ ગ્રેજ્યુએટ, 47 ડિગ્રી અથવા ડિપ્લોમા ધારક અને 209 ગ્રેજ્યુએટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય અનેક કેદીઓએ પ્રાથમિક અને માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ મેળવેલું હોવાનું પણ જાણવા મળે છે. સામાજિક વિશ્લેષકોના મત મુજબ શિક્ષણ હોવા છતાં ગુનાખોરી તરફ વળતા લોકોની સંખ્યા વધવી એ સમાજ માટે ચિંતાજનક સંકેત છે. આ સ્થિતિ પાછળ બેરોજગારી, આર્થિક દબાણ, નશાની લત અને સામાજિક અસમાનતા જેવા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના કેદીઓનું પ્રમાણ સૌથી વધુ
દોષિત કેદીઓમાં 4,832 કેદીઓ ગુજરાતના રહેવાસી છે, જ્યારે 367 કેદીઓ અન્ય રાજ્યોના અને 32 કેદીઓ વિદેશી નાગરિકો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની જેલોમાં સ્થાનિક કેદીઓનું પ્રમાણ સૌથી વધુ છે. વિદેશી કેદીઓમાં ગેરકાયદેસર પ્રવેશ, ડ્રગ્સ, આર્થિક ગુનાઓ અને અન્ય ગંભીર ગુનાઓના કેસો વધુ હોવાનું માનવામાં આવે છે. આવા કેદીઓ માટે અલગ કાનૂની અને સુરક્ષા પ્રક્રિયાઓ પણ અમલમાં મૂકવામાં આવે છે.



