ધો.10ની કુલ 7,56,392 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, 6,34,327 વિદ્યાર્થી પાસ થયા
રાજ્યમાં ટોપર્સમાં સુરત અને રાજકોટ મોખરે: ટોપર્સ વિદ્યાર્થીની સંખ્યામાં 7457નો વધારો
- Advertisement -
દીકરીઓએ ફરી બાજી મારી : અનેક શાળાઓમાં દીકરીઓએ ટોચના ક્રમો મેળવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે 6 મેના રોજ ગુજરાતમાં ધોરણ-10 એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.28% રહી વિદ્યાર્થીઓ કરતાં 8.16% આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે.
આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં ‘ઇયતિં જ્ઞર ઝૂજ્ઞ’ પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે.
ગત વર્ષે 100% પરિણામ ધરાવતી 1574 શાળાઓ હતી જેમાં વધારો થતા આ વર્ષે 1697 શાળાઓમાં 100% પરિણામ આવ્યું છે. તો ગત વર્ષે 45 શાળાઓનું 0% પરિણામ આવ્યું હતું જે ઘટીને આ વર્ષે માત્ર 39 શાળાઓનું જ 0% પરિણામ આવ્યું હતું.
રાજકોટના પરિણામમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 85.23%, વર્ષ 2025માં 87.19% અને આ વર્ષે 88.11% પરિણામ જાહેર થયું છે.
આ વર્ષે પરિક્ષા દરમિયાન ગેરરીતિના 5 કેસ નોંધાયા હતા. જ્યારે સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 233 પરીક્ષાર્થીના પરિણામ અંગે બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કરી ગેરરીતિમાં સામેલ તમામ પરીક્ષાર્થીઓનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 51 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા.



