5 મિલીની એક બોટલની મૂળ કિંમત રૂ.273 છે, પરંતુ 18 ટકા ૠજઝ ઉમેરાતા તે 322માં પડે છે
મહાનગરપાલિકાના માટે 2028 અને તાલુકા અને જિલ્લા પંચાયત માટે 2372 શાહીની બોટલ ફાળવાઈ: નિયમ મુજબ દરેક મતદાન મથક દીઠ બબ્બે બોટલ આપવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી રવિવારે યોજાનારી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્વની ગણાતી અવિલોપ્ય શાહીનો જથ્થો કર્ણાટકથી મંગાવી લેવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા આશરે ₹15 લાખના ખર્ચે શાહીની 4500થી વધુ બોટલોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેની ફાળવણી હવે સંબંધિત મતદાન મથકો મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
દેશમાં એકમાત્ર કર્ણાટક સરકાર હસ્તકની ’મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપની’ દ્વારા જ આ અવિલોપ્ય શાહી બનાવવામાં આવે છે. આ વખતે 5 મિલીની એક બોટલની કિંમત 273 નક્કી કરવામાં આવી છે, જેના પર 18 ટકા જીએસટી ગણતા વહીવટી તંત્રને એક બોટલ 322માં પડી છે. આ શાહીનું એક-એક ટપકું કિંમતી છે, કારણ કે તે મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાની અધિકૃત ઓળખ આપે છે અને બોગસ મતદાન અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વહીવટી આંકડાઓ મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના 1014 મતદાન મથકો માટે 2028 બોટલ ફાળવવામાં આવી છે. તેવી જ રીતે, તાલુકા અને જિલ્લા પંચાયતના 1186 મતદાન મથકો માટે 2372 બોટલ અને ગોંડલ નગરપાલિકાના 89 મથકો માટે 172 બોટલ ચૂંટણી સ્ટાફને સુપ્રત કરવામાં આવી છે. નિયમ મુજબ દરેક મતદાન મથક દીઠ બબ્બે બોટલ આપવામાં આવી છે. આગામી 26મી તારીખે યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને શાહીના આ જથ્થા સાથે હવે મતદાનની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.



