રજવાડી થીમ પર બિરાજમાન ગણપતિ દાદાના દર્શન માટે પ્રથમ દિવસથી જ ભાવિકોની ભીડ
ભવ્ય શણગાર વચ્ચે ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના પ્રથમ દર્શન
- Advertisement -
રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનો ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. ‘સર્વેશ્વર ચોક કા રાજા’ તરીકે જાણીતા ગણપતિ દાદાને આ વર્ષે રજવાડી થીમ પર ભવ્ય શણગાર સાથે બિરાજમાન કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસથી જ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ગણેશમય બન્યો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુંદાળા દેવની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. સાંજે ૭:૪૫ કલાકે યોજાયેલી મહાઆરતીમાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપરાંત શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી દરમિયાન ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રજવાડી થીમના આકર્ષક શણગાર વચ્ચે બિરાજમાન ગણપતિ દાદાનું સ્વરૂપ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રથમ દિવસે અનેક ભાવિકોએ દાદાના દર્શન કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મહાઆરતીમાં ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાભેર આરતી ઉતારી ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.




