સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકોની ઓનલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હાનિકારક કન્ટેન્ટ પર લગામ કસવા કેન્દ્ર સરકારના કડક વલણ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta)એ મોટો નિર્ણય લીધો છે. મેટાએ સ્પષ્ટ ખાતરી આપી છે કે તે બાળ યૌન શોષણ (CSEAM) અને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા તમામ સંવેદનશીલ કેસો સીધા ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને રિપોર્ટ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મેટાએ આ સંદર્ભે મંત્રાલયને સત્તાવાર પત્ર પાઠવીને જાણ કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે, સોમવારે મેટાએ કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશન KSEB અધિકારીઓ સાથે ડાન્સ કરતા દર્શાવતો એક વાયરલ AI ડીપફેક વીડિયો ભારતમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ભારતમાં બ્લોક કરાયો તે પહેલાં આ વીડિયોને ૧.૭૮ કરોડથી વધુ વ્યુઝ મળ્યા હતા, જોકે ભારત બહાર તે હજુ પણ જોઈ શકાય છે. ક્રિએટર્સે જણાવ્યું કે મેટાએ સરકારી નોટિસને ટાંકીને આ પગલું ભર્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી સતીશને પોતે આ વીડિયોની રમૂજ માણી હતી પરંતુ AI કન્ટેન્ટના લીગલ પાસાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રિએટર્સનું માનવું છે કે આ હકાલપટ્ટી સીએમ ઓફિસ તરફથી માંગવામાં આવી નહોતી, જ્યારે અગાઉ મેટાએ આવા વીડિયો દૂર થવા પાછળ “ટેકનિકલ ખામી”નું કારણ આપ્યું હતું.
સરકારે મેટાના નિર્ણયને ગણાવ્યો ‘પ્રથમ પગલું’: સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કામ કરતી કોઈપણ સોશિયલ મીડિયા કંપની માટે બાળકોની ડિજિટલ સુરક્ષા એ મૂળભૂત સિદ્ધાંત છે અને તે કોઈપણ બાંધછોડ વગરનો વિષય છેઃ સરકારે મેટાના આ પગલાંને બાળકો માટે પ્લેટફોર્મ સુરક્ષિત બનાવવાની દિશામાં માત્ર એક ‘પ્રથમ પગલું ગણાવ્યું છે. સરકારી અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે આ દિશામાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે. સરકાર અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી બાળકો સાથે જોડાયેલ હાનિકારક કન્ટેન્ટ સમયસર ઓળખીને તાત્કાલિક હટાવી શકાય. સરકારે ચેતવણી આપી છે કે બાળકોની ઓનલાઇન સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોઈપણ ‘પ્લેટફોર્મ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



