સરકારે બોલાવી ઇમરજન્સી બેઠકઃ એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ ફટકારાઈ
અમૃતસરથી શરૂ થઈ ભૂલઃ ‘I-to-l’ ટ્રાન્સફરમાં મોકલી દેવાયા મુસાફરો
- Advertisement -
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં એક ચોંકાવનારી અને ગંભીર ચૂક સામે આવી છે. ત્રણ ઇટાલિયન મુસાફરો અમૃતસરથી દિલ્હી પહોંચ્યા બાદ ફરજિયાત ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ લુફ્થાન્સાની ફ્લાઇટ પકડીને જર્મનીના મ્યુનિક શહેર પહોંચી ગયા હતા. દેશની સુરક્ષા સાથે જોડાયેલી આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક
બોલાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યાલય કર્તવ્ય ભવન ખાતે એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં: સિવિલ એવિએશન મંત્રાલયના સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ સચિવો, બ્યુરો ઓફ ઇમિગ્રેશન (Bol)ના કમિશનર, એર ઇન્ડિયા ગ્રુપ હેડ, દિલ્હી એરપોર્ટના CEO (DIAL) હાજર રહેશે.
આ સમગ્ર ઘટના ૪ સપ્ટેમ્બરના રોજ બની હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ ૧૨ સપ્ટેમ્બરે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, એર ઇન્ડિયા તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કે જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષામાં આ ચૂક અમૃતસર એરપોર્ટ પર થયેલી ગેરસમજથી શરૂ થઈ હતી. આ ત્રણેય ઇટાલિયન નાગરિકોને અમૃતસર એરપોર્ટ પરથી જ દિલ્હી માટે તેમજ આગળ લુફ્થાન્સાની મ્યુનિક ફ્લાઈટ એમ બંને બોર્ડિંગ પાસ એકસાથે ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. સામાન્ય નિયમ મુજબ આ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને ભારતમાંથી એક્ઝિટનું ફરજિયાત ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનું હતું. જોકે સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે તેમને સીધા I-to-l (International-to-International) ટ્રાન્સફર એરિયામાં મોકલી દેવાયા. આ ટ્રાન્સફર એરિયા માત્ર વિદેશથી આવીને અન્ય ત્રીજા દેશમાં જતાં ટ્રાન્ઝિટ મુસાફરો માટે હોય છે, જેના પરિણામે આ મુસાફરો ભારતીય ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધા વિમાનમાં બેસીને મ્યુનિક પહોંચી ગયા હતા.




