એક સમયે રાજકોટમાં ચૂંટણી હોય તો આખા દેશની નજર રહેતી અને આ વખતે રાજકોટના લોકોને પણ આ ચૂંટણીમાં રસ નથી: ઈતિહાસની સૌથી નિ:રસ ચૂંટણીમાં સૌથી ઓછા મતદાનની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે માંડ પાંચેક દિવસ બાકી રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલ જામતો નથી. એમાં પણ રાજકોટમાં ચૂંટણી માહોલ તો અત્યંત કંટાળાજનક જણાય છે. સામાન્ય રીતે રાજકોટ એટલે રાજકીય રીતે અત્યંત સક્રિય અને ઉત્સાહી શહેર પરંતુ આ વર્ષે ચૂંટણી ચિત્ર કંઈક અલગ જ છે. રાજકીય વિશ્ર્લેષકો અને સ્થાનિકોના મતે આ ચૂંટણી રાજકોટના ઈતિહાસની સૌથી નિરસ ચૂંટણી સાબિત થઈ રહી છે. રાજકોટ હંમેશા ચૂંટણીમાં રંગેચંગે ભાગ લેતું શહેર રહ્યું છે, પરંતુ આ વખતે નથી જોઈએ એવો લાઉડસ્પીકરનો શોર કે નથી જોવા મળતી કાર્યકરોની એ દોડધામ. ગલીઓમાં પણ ચૂંટણીના બેનરો નામમાત્રના જ દેખાય છે. જમણવાર પણ ગણ્યાગાંઠા જ યોજાઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે રાજકોટમાં ચૂંટણી હોય તો સમગ્ર રાજ્યની નહીં પણ દેશની નજર રહેતી ત્યારે આજે આ શહેરમાં ચૂંટણી હોય શહેરના મતદારોથી લઈ મીડિયા સુધી સંપૂર્ણ શાંતિ છવાયેલી જોવા મળે છે. હવે આ શાંતી વાવાઝોડા પહેલાની છે કે પછીની એ તો મતદાન ગણતરીના દિવસે ખ્યાલ આવશે પણ બધા રાજકીય પક્ષ આ અંગે અંદરખાને ચિંતામાં જરૂર હશે.
ગત લોકસભા ચૂંટણી પછી પ્રચાર-પ્રસારમાં પૈસા ખર્ચવાનું બંધ થયું
રાજકોટ લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ માત્ર ભાજપ-મોદીના નામે નજીવો ખર્ચે પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમની આ પેટર્ન મુજબ હવે ભાજપ સહિતના રાજકીય પક્ષ દ્વારા પ્રચાર-પ્રસારમાં પૈસા ખર્ચવાનું બંધ કરાયું છે. આ કારણે આ વખતે જાહેર કાર્યક્રમ, જનસભા અને જમણવાર ઓછા થઈ રહ્યા હોય એટલે પણ જાણે ચૂંટણી નિરસ બની હોય અને જોઈએ એવો માહોલ જામતો નથી. હવે આગામી દિવસોમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષ પરંપરાગત પ્રચાર માધ્યમોનો સહારો લઈ ચૂંટણી હોય એવું વાતાવરણ જમાવશે કે કેમ એ જોવું રહ્યું.
- Advertisement -
શહેરમાં ગરમીનો પારો ઉપર પણ ચૂંટણી પ્રચાર ઠંડોગાર
હાલ શહેરમાં યુદ્ધની સ્થિતિ અને મંદી-મોંઘવારી વચ્ચે ઉમેદવારો-રાજકીય પક્ષો જાણે ચૂંટણી હથિયાર વિહોણાં બન્યાં તેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોની નિરસતાએ ઉમેદવારો-રાજકીય પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. વળી મોંઘવારી અને મંદી ઉપરાંત ગરમી, વેકેશન, લગ્નગાળો, કાર્યકરોનો આંતરિક અસંતોષ વગેરે જોતાં પણ ચૂંટણી પ્રચાર ફિક્કો બન્યો છે. સ્થાનિક પ્રશ્ર્નો અને વારંવાર આવતી ચૂંટણીઓને કારણે સામાન્ય જનતામાં એક પ્રકારની નિરસતા જોવા મળી રહી છે. ઘણા મતદારોમાં એવો ગણગણાટ છે કે પરિણામો પહેલેથી જ નક્કી છે, જેના કારણે પ્રચારમાં પણ એવો ‘કરંટ’ જોવા મળતો નથી.
શુષ્ક ચૂંટણી માહોલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, રાજકીય પક્ષોને હવે નોટાનો ડર સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના પાંચ દિવસમાં રાજકીય પક્ષો કોઈ ‘ચૂંટણી કાર્ડ’ રમીને મતદારોને જગાડવામાં સફળ રહે છે કે પછી આ નિરસતા મતદાન મથકો સુધી પણ લંબાય છે. રાજકોટના રાજકારણમાં શું આ કોઈ મોટા પરિવર્તનની શાંતિ છે કે પછી ખરેખર લોકોનો ચૂંટણી પ્રક્રિયા પરથી રસ ઓછો થઈ રહ્યો છે? આ સવાલ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ક્રોસ વૉટિંગની શક્યતાથી ઉમેદવારોના જીવ અદ્ધર
ચૂંટણી કાર્યાલયો પર કાર્યકરોની જગ્યાએ કાગડા ઉડી રહ્યા છે!
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના આકરી ગરમીમાં ઠંડા રહેલા પ્રચાર વચ્ચે હવે મતદાન આડે છ દિવસ જ રહ્યા છે. રવિવારે મતદાન પૂર્વે શુક્રવારે સાંજે તો જાહેર પ્રચાર બંધ પણ થઇ જશે ત્યારે અનેક ચૂંટણી કાર્યાલયો પર કાર્યકરોની જગ્યાએ કાગડા ઉડતાં હોય તેવા દ્રશ્ર્યો જોવા મળી રહ્યા છે. આ જોતાં પક્ષના પાયાના કાર્યકરોને તો ચૂંટણીમાં રસ રહ્યો નથી એ દેખાઈ છે સાથે આ વખતે પણ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછું મતદાન થાય તેવી ભીતિ અને મતદારોની નિરસતાને જોઈ ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતા વધી છે. આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાની પણ સંભાવના હોય ઉમેદવારોના જીવ પડીકે બંધાયા છે.
સોસાયટીના નાકે નહીં, સોશિયલ મીડિયામાં ધૂમ ચૂંટણી પ્રચાર
ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં શહેરમાં અગાઉ જેવો ઉત્સાહ જોવા મળતો નથી. સોસાયટીના નાકે મોટા નેતાઓની જંગી સભાઓને બદલે પક્ષો હવે સોશિયલ મીડિયા પર ભરપૂર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જેના કારણે આ ચૂંટણીમાં સાર્વજનિક ઉત્સાહ દેખાતો નથી. વિવિધ રાજકીય પક્ષ અને ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી રહ્યા હોય વર્તમાન ચૂંટણીમાં બેનર્સ, ચોપનિયા, જાહેરખબર કે અન્ય પરંપરાગત પ્રચાર માધ્યમોનો ઓછો ઉપયોગ થતો જેવા મળી રહ્યો છે.
જાહેર સભાઓ કે રોડ-શૉ નહીવત, આંતરિક કલેહ-અસંતોષ ભારોભાર
સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 24મી એપ્રિલે મતદાન થવાનું છે, છતાં રાજકોટ જેવા મોટા શહેરોમાં હજુ સુધી મોટી જાહેર સભાઓ કે ભવ્ય રોડ-શોના દર્શન થયા નથી. આ વખતે મતદારો અકળ છે અને નેતાઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. નવા ઉમેદવારો માટે પોતાના જ વિસ્તારના મતદારો સુધી પહોંચવું અને પરિચય કેળવવો લોઢાના ચણા ચાવવા જેવું બન્યું છે. બીજી તરફ દાયકાઓથી પક્ષને લોહી-પરસેવાથી સિંચનારા ‘જૂના જોગીઓ’ અને સિનિયર નેતાઓની અવગણના થતા તેઓ પ્રચારથી અલિપ્ત થઈ ગયા છે. પાયાના પથ્થર સમાન આ નેતાઓ હવે માત્ર પ્રેક્ષક બનીને બેઠા છે, જેના કારણે કાર્યકરોના ઉત્સાહમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં આ ચૂંટણીમાં મતદારો સાથે કાર્યકરોને મનાવવા દરેક ઉમેદવાર અને પક્ષ માટે સૌથી મોટી પરીક્ષા છે.



