ખાસ-ખબર કપના 11માં અને 12માં દિવસે મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના આંગણે ખાસ ખબર ન્યૂઝ પેપર દ્વારા આયોજીત ’ખાસ ખબર કપ 2026’ રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ ચરણો તરફ આગળ વધી રહી છે. ટુર્નામેન્ટના 11મા દિવસે રમાયેલા ચાર મુકાબલાઓમાં ખેલાડીઓએ અદભૂત કૌશલ્ય બતાવ્યું હતું. પ્રથમ મેચમાં બાલાજી ક્લબે નિર્ધારિત 10 ઓવરમાં 129 રનનો જંગી સ્કોર ખડક્યો હતો, જેમાં સૂર્ય સાનંદની ઓલરાઉન્ડર રમત આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેની સામે જય ગુરુદેવ ઇલેવન 104 રન જ બનાવી શકી હતી. બીજી તરફ રામદેવ ઇલેવન અને મયૂર ઇલેવન ગોરાણા વચ્ચેની મેચમાં વસીમ બલોચે 35 રનની આક્રમક ઇનિંગ રમી હોવા છતાં રામદેવ ઇલેવનના રવિ મકવાણાએ અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરી ટીમને વિજય અપાવ્યો હતો. 11માં દિવસની સૌથી ચોંકાવનારી મેચ જેન્યુઈન મોરબી અને બાલાજી ક્લબ વચ્ચે રહી હતી, જેમાં મોરબીની ટીમ માત્ર 39 રનમાં સમેટાઈ ગઈ હતી. શૌર્ય સાનંદિયાએ માત્ર 18 રન આપી 5 વિકેટ ઝડપીને વિરોધી ટીમની કમર તોડી નાખી હતી. અંતિમ મેચમાં રામદેવ ઇલેવન અને માર્વેલ-અ વચ્ચે રસાકસી જામી હતી, જેમાં રામદેવ ઇલેવને માત્ર 1 રનથી વિજય મેળવીને પ્રેક્ષકોના શ્ર્વાસ અધ્ધર કરી દીધા હતા.
ટુર્નામેન્ટના 12મા દિવસે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર નોંધાયો હતો. એકતા ઇલેવન અને કેશવ કેમ્પ વચ્ચેના મુકાબલામાં એકતા ઇલેવને બેટિંગમાં તોફાન મચાવતા નિર્ધારિત 10 ઓવરમાં 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. દિપક બહુકીયાએ માત્ર 17 બોલમાં 9 છગ્ગા સાથે 62 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે જાફર (49 રન) અને મહેશ (48 રન) એ પણ કેશવ કેમ્પના બોલરોની બરાબરની ધુલાઈ કરી હતી. જવાબમાં કેશવ કેમ્પની ટીમ આ પહાડ જેવા લક્ષ્યાંક સામે માત્ર 57 રન જ બનાવી શકી હતી. દિવસની અન્ય મેચોમાં છ9 અને સી.એસ.કે. લાયન્સ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. છ9એ પ્રથમ બેટિંગ કરતા 97 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સી.એસ.કે. લાયન્સની ટીમ છેલ્લા બોલ સુધી લડત આપી માત્ર 2 રનથી હારી ગઈ હતી. આ જીત સાથે છ9એ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. અન્ય મેચોમાં એકતા ઇલેવને સંત કૃપા ઇલેવનને અને માર્વેલ-ઇ એ પવનપુત્ર ઇલેવનને હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.



