પરિવારોનો મજબૂત સપોર્ટ અને મહિલાઓની આત્મનિર્ભરતાને કારણે આ રાજ્ય બન્યું દેશમાં નંબર-1
ખાસ-ખબર ન્યૂઝ મિઝોરમ
- Advertisement -
ભારતમાં આજે પણ મોટાભાગના લગ્નો પરંપરાગત રીતે એટલે કે ’એરેન્જ્ડ મેરેજ’ હોય છે અને અનેક રાજ્યોમાં લવ મેરેજ અથવા આંતરજાતીય લગ્નોને સામાજિક ટેબૂ માનવામાં આવે છે. ઘણીવાર તો પ્રેમ લગ્ન કરનાર કપલ્સ સામે તેમના પોતાના પરિવારના સભ્યો જ દુશ્મન બની જતા હોય છે. પરંતુ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું મિઝોરમ રાજ્ય આ બાબતે એક અનોખો અને પ્રગતિશીલ દાખલો બેસ ાડી રહ્યું છે. મિઝોરમને ભારતનું ’લવ મેરેજ કેપિટલ’ કહેવામાં આવે છે કારણ કે અહીંના પરિવારો લવ મેરેજને માત્ર સ્વીકારે જ નથી, પણ ખુશીથી કપલને પૂરો સપોર્ટ પણ કરે છે.
મિઝોરમમાં ઇન્ટર-કાસ્ટ અને લવ મેરેજનો દર સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે ભારતમાં માત્ર 5% લગ્નો આંતરજાતીય હોય છે, જેની સરખામણીએ મિઝોરમમાં આ આંકડો 55% સુધી પહોંચે છે. વિવિધ સર્વે અને રિપોર્ટ્સ અનુસાર, આ મામલે મિઝોરમ દેશમાં પ્રથમ ક્રમે છે. અહીં યુવક-યુવતીઓ પોતાનો જીવનસાથી જાતે પસંદ કરે છે અને પરિવાર વિરોધ કરવાને બદલે તેમને જરૂરી સલાહ અને આશીર્વાદ આપીને સંબંધનો સ્વીકાર કરે છે. આ રાજ્યમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું પ્રભુત્વ હોવાથી વ્યક્તિગત પસંદગીને વધુ મહત્વ આપવામાં આવે છે, જે લવ મેરેજ વધવા પાછળનું એક મુખ્ય કારણ છે.
મિઝોરમના સમાજમાં મહિલાઓની સ્થિતિ પણ અત્યંત મજબૂત છે. જોકે આ સંપૂર્ણ માતૃસત્તાક સમાજ નથી, છતાં મહિલાઓને પરિવાર અને સમાજમાં ખૂબ જ સારો દરજ્જો પ્રાપ્ત છે. અહીંની છોકરીઓ શિક્ષિત અને આત્મનિર્ભર છે, તેઓ નોકરી કરે છે અને પોતાના જીવનના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. સ્કૂલ, કોલેજ કે કાર્યસ્થળ દરમિયાન જ્યારે કોઈ બે વ્યક્તિ એકબીજાને પસંદ કરે છે અને પરિવારને જાણ કરે છે, ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં પરિવાર તરત જ સહમત થઈ જાય છે. જો કોઈ નાની-મોટી અડચણ ઉભી થાય, તો ચર્ચના સભ્યો કે પરિવારના વડીલો મધ્યસ્થી કરીને મામલો ઉકેલી આપે છે.
એક મહત્વની બાબત એ પણ છે કે અન્ય રાજ્યોની તુલનામાં અહીં ડિવોર્સ રેટ એટલે કે છૂટાછેડાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. નિષ્ણાતોના મતે, તેનું મુખ્ય કારણ મહિલાઓની સ્વતંત્રતા અને તેમની જાગૃતિ છે. મિઝોરમમાં મહિલાઓ ઘરના મુખ્ય તરીકે પણ જવાબદારી નિભાવે છે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પુરુષો જેટલી જ સક્રિય ભાગીદારી ધરાવે છે. સોશિયલ મીડિયા અને લેટેસ્ટ સર્વેમાં મિઝોરમના આ ખુલ્લા અને આધુનિક અભિગમને કારણે તેને ’લવ મેરેજ કેપિટલ’ તરીકેની નવી ઓળખ મળી છે, જે ભારતના અન્ય ભાગો માટે એક સામાજિક પરિવર્તનનું ઉદાહરણ પૂરું પાડે છે.



