જોખમી હોર્ડિંગ્સ ઉડતા લારીનો ભુક્કો બોલાવ્યો; સદનસીબે જાનહાનિ ટળી પણ પાલિકા સામે લોકોમાં ભારે રોષ
ગ્રામ્ય પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકતા ધાણા, ઘઉં અને ચણાના પાકને પાયમાલ કરવાની ભીતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પ્રચંડ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હળવદના સરા ચોકડી વિસ્તારમાં મોત સમાન લટકતા વિશાળ હોર્ડિંગ્સ પવનમાં ઉડ્યા હતા, જ્યારે સામેના કોમ્પલેક્ષમાં લોખંડના એંગલો ધરાશાયી થતાં એક લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
શહેરમાં અનેક જગ્યાએ મંડપો અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા, જોકે સદનસીબે આ ભયાનક પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જોખમી હોર્ડિંગ્સ ઉતારવા બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે.
બીજી તરફ, હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલા ધાણા, ઘઉં અને ચણાના પાક પર વરસાદી આફત ત્રાટકતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની શરૂઆતે જ કુદરતના આ રૌદ્ર સ્વરૂપે સમગ્ર પંથકમાં ફાળ પાડી દીધી છે.



