ફ્રેન્કલિન ટેમ્પલટનનો રિપોર્ટઃ સોનામાં 11% હિસ્સો યથાવત; 10 વર્ષમાં ઇક્વિટી રોકાણ 4% થી વધીને 12% સુધી પહોંચવાનો અંદાજ
ભારતીય પરિવારો માટે પરંપરાગત રીતે ઘર, જમીન અને સોનું રોકાણ કરવા માટેના સૌથી લોકપ્રિય અને સુરક્ષિત છે, પરંતુ વિશ્વના વિ આ વિ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ભારતીયો હવે પોતાની બચત અને મૂડીનો મોટો હિસ્સો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ તથા અન્ય નાણાકીય સાધનો તરફ વાળી રહ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટનના તાજેતરના ‘ફાઈનાન્શિયલાઈઝેશન ઓફ સેવિંગ્સ ઈન ઇન્ડિયા’ અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીય ઘરોની કુલ સંપત્તિનો આશરે ૫૭% હિસ્સો રિયલ એસ્ટેટ (મકાન અને જમીન) માં રોકાયેલો હતો. આ ઉપરાંત, આશરે ૧૧% સંપત્તિ સોનાના સ્વરૂપમાં છે. આમ, ભારતીયોની કુલ સંપત્તિનો આશરે ૬૮% જેટલો જંગી હિસ્સો હજુ પણ ભૌતિક મિલકતોમાં જ સંગ્રહાયેલો છે. વિકસિત અર્થતંત્રોની સરખામણીએ ભારતીય પરિવારોની બેલેન્સ શીટ આજે પણ જમીન-મકાન જેવી સ્થાવર અસ્કયામતો પર વધુ નિર્ભર છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય અસ્કયામતો પ્રત્યેનો અભિગમ ઝડપથી બદલાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પરિવારોની કુલ સંપત્તિમાં રિયલ એસ્ટેટનો હિસ્સો ૬૭% હતો, જે ૨૦૨૪-૨૫ સુધીના આઠ વર્ષના ગાળામાં ૧૦% ઘટીને ૫૭% પર આવી ગયો છે. તેની સામે શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો ૪% થી બમણો થઈને આશરે ૮% એ પહોંચ્યો છે. કુલ નાણાકીય રોકાણોના પરિપ્રેક્ષ્યમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો ૧૮% જેટલો નોંધાયો છે. આગામી દાયકામાં આ વલણ વધુ વેગ પકડશે. નાણાકીય વર્ષ ૨૦૩૪-૩૫ સુધીમાં કુલ સંપત્તિમાં રિયલ એસ્ટેટનો હિસ્સો ઘટીને ૫૪% રહેવાની સંભાવના છે, જ્યારે ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો વધીને ૧૨% સુધી પહોંચી શકે છે, જે ભારતીય અર્થતંત્રમાં નાણાકીય સાક્ષરતા અને મૂડીબજારની વધતી ભાગીદારી દર્શાવે છે.




