એકાદ સપ્તાહમાં યુટ્યુબમાં સર્ચ કરી સાધન સામગ્રી ભેગી કરી ફર્ઝી નોટનું કારખાનું ચાલુ કર્યું
દુષ્કર્મના કેસમાં પકડાયેલા શખ્સના છાપખાનાનો એસઓજીએ કર્યો પર્દાફાશ: 38 નકલી નોટ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નકલી નોટો બજારમાં ફરતી થઇ હોવાની શંકાએ જઘૠએ સઘન તપાસ હાથ ધરી ભારતીય બનાવટની નકલી ચલણી નોટ બનાવવાના છાપખાનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમી આધારે રૈયાધાર ગૌશાળા પાસે મફતિયાપરામાં દરોડો પાડી અહીં 100 અને 200ના દરની ફર્ઝી નોટો છાપતા શખ્સની ધરપકડ કરી તેની પાસેથી 100 અને 200ના દરની 38 નકલી નોટ, પ્રિન્ટર, કાગળ, મોબાઈલ, ફૂટપટ્ટી સહીત 23,000નો મુદામાલ કબ્જે કર્યો છે પીઆઇ જાડેજાની પ્રાથમિક પૂછતાછમાં ફર્ઝી નોટ બનાવનાર શખ્સે એવી કબૂલાત આપી હતી કે પોતાને દેવું વધી ગયું હોય તે ઉતારવા માટે એક સપ્તાહથી યુટ્યુબમા સર્ચ કરી સાધન સામગ્રી એકઠી કરી બે નોટ બનાવી હતી તે બે નોટ બજારમાં ચાલી જતા તેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો અને વધુ નોટો છાપવાનું ચાલુ કર્યું હતું પરંતુ તે વટાવે તે પૂર્વે જ પોલીસ પહોંચી ગઈ હતી આ અંગે ડીસીબીમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ ડીસીબીને સોંપવામાં આવી છે.
શહેરમાં મંદીના માહોલ વચ્ચે નકલી નોટો બજારમાં ફરતી થઇ હોય ત્વરિત કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ અગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બસીયાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી કે ઝાલા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રાજેશભાઈ બાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે રૈયાધાર ગૌ શાળા નજીક મફતીયાપરામાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે અહીં નકલી ચલણી નોટોના છાપકામનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ત્યાં રેડ પાડતા ફર્ઝી નોટ બનાવતા નૈતીક મહેન્દ્રભાઇ અગ્રાવતને રંગેહાથ ઝડપી લીધો હતો ભારતીય બનાવટની 38 નકલી ચલણી નોટ પણ મળી આવી હતી આ સાથે જ ત્યાંથી કાગળ, પ્રિન્ટર સહિતની સાધન સામગ્રી કબજે કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં નૈતિક અગ્રાવત સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તો ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરીનો ગૂનો નોંધાઈ ચૂક્યો છે. જોકે હવે ભારતીય બનાવટની નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પીઆઇ એસ એમ જાડેજાએ જણાવ્યું હતું કે નૈતિકને દેવું થઇ ગયું હોય અને કામ ધંધો ચાલતો ન હોય જેથી દેવું ઉતારવા માટે પોતે શોર્ટ કટ અપનાવ્યો હતો એકાદ સપ્તાહથી યુટ્યુબમાં સર્ચ કરી પ્રિન્ટર, કાગળ સહિતની સાધન સામગ્રી ખરીદી છાપખાનું શરુ કર્યું હતું તેણે પ્રારંભે બે નોટ બનાવી હતી તે બે નોટ બજારમાં ચાલી ગઈ હતી જેથી પોતે સક્સેસ ગયો છે તેવું માનીને વધુ નોટો છાપવાનું ચાલુ કર્યું હતું પરંતુ હવે બનાવેલી નોટો તે બજારમાં મૂકે તે પૂર્વે જ એસઓજી પહોંચી ગઈ હતી આગળની તપાસ ડીસીબીને સોંપવામાં આવી છે.
એસઓજીએ શું-શું કબ્જે કર્યું
પોલીસે આ છાપખાનામાંથી 100 અને 200ના દરની 38 નકલી નોટો, એક પ્રિન્ટર, સ્કેનર, ફૂટપટ્ટી, ડ્રાયવિંગ લાયસન્સ, એ-4 સાઈઝના 35 કાગળ, કટર, પેન્સિલ, સંચો, મોબાઈલ, એ-4 સાઈઝના કોરા કાગળનું પેકેટ અને લાઈટબીલ સહીત 23,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.



