ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
દિલ્હી ખાતે આયોજિત એ.આઈ. સમિટ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ યુથ દ્વારા દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર સુધી પહોંચ્યો છે, જ્યાં ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીની ’દેશ વિરોધી માનસિકતા’ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ એકઠા થઈને ’રાહુલ ગાંધી હાય હાય’ ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું અને આક્ષેપ કર્યો હતો કે વિદેશી મંચો કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડવી એ કોંગ્રેસની પરંપરા બની ગઈ છે. આ ધરણા કાર્યક્રમમાં સંગઠનના અગ્રણી મહિલા નેતાઓએ હાજરી આપી કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ખ્યાતિબેન લોઢારી, અને મહામંત્રી કીર્તિબેન પુરોહિતની આગેવાની હેઠળ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત શહેર ભાજપ મહિલા મંડલના પ્રમુખ ભારતીબેન ચામુડિયા (ભટ્ટ), જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સવિતાબેન કુહાડા, નિકિતાબેન ટેવાણી તથા મહિલા મોરચાના ઉપપ્રમુખ રિદ્ધિબેન અત્રી સહિતના હોદ્દેદારોએ પોતાની હાજરી નોંધાવી રાહુલ ગાંધીના નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ ઉપપ્રમુખ ભારતીબેન ગોહેલ, પૂર્વ કાઉન્સિલર લીલાબેન મોતીવરસ, સરોજબેન કક્કડ, જ્યોત્સનાબા રાણા, ભાનુબેન જુંગી અને દક્ષાબેન ભાદ્રેચાએ પણ સૂર પુરાવ્યો હતો. આ તકે નિર્મળાબેન કોટિયા, મણિબેન ઓડેદરા, હંસાબેન તુંબડીયા, જ્યોતિબેન આસોડિયા સહિત બહોળી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને દેશનું અપમાન કરનાર તત્વો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.



