સદર બજારમાં રંગો અને પિચકારીઓનું ધૂમ વેચાણ, હર્બલ રંગોની માંગમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રંગો અને ઉમંગનો તહેવાર હોળી હવે ગણતરીના દિવસોમાં આવી પહોંચતાં રાજકોટ શહેરના બજારોમાં રંગીન માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને સદર બજારમાં પિચકારીઓ અને રંગોના સ્ટોલ્સથી બજાર જીવંત બની ગયું છે. રંગીલા રાજકોટમાં હોળી અને ધૂળેટીનો ઉત્સાહ આ વર્ષે ખાસ નજરે પડી રહ્યો છે. વેપારીઓ જણાવે છે કે આ વર્ષે શરૂઆતથી જ હોલસેલમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે માર્કેટમાં વધુ નવી વેરાયટીઓ ઉપલબ્ધ બની છે. ખાસ કરીને પિચકારી ગનમાં ઈલેક્ટ્રીક ગનની 10થી 15 જેટલી નવી ડિઝાઈન આવતાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાઈટ અને સાઉન્ડ સાથે આવતી ઈલેક્ટ્રીક ગન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. ફુવારાવાળી પિચકારીઓમાં પણ આ વર્ષે વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. 4 ફુવારાથી લઈને 150 ફુવારા સુધી પાણી છોડતી પિચકારીઓ માર્કેટમાં આવી ગઈ છે. નાના બાળકો માટે સરળ પંપવાળી પિચકારીથી લઈને મોટા ટેન્કવાળી હાઈ-પ્રેશર ગન સુધી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ટેન્ક સાથે આવતી ગનમાં નવી ડિઝાઈન અને કલર કોમ્બિનેશન યુવાનોમાં વધુ લોકપ્રિય બની
રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, રાજકોટમાં આવતી મોટાભાગની પિચકારીઓ દિલ્હી માર્કેટમાંથી મંગાવવામાં આવે છે. ત્યાં નવી ડિઝાઈન અને મોડલ્સ ઝડપથી ઉપલબ્ધ થતા હોવાથી સ્થાનિક વેપારીઓ ત્યાંથી જ માલ મંગાવે છે. આ વર્ષે ટેન્ક ગન, ઈલેક્ટ્રીક ગન અને મલ્ટી-ફુવારાવાળી પિચકારીઓની માંગ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રંગોની વાત કરીએ તો પરંપરાગત ગુલાલ સાથે હર્બલ રંગોની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. લોકો હવે સ્કિનને નુકસાન ન થાય તે માટે હર્બલ કલર તરફ વધુ ઝુકાવ બતાવી રહ્યા છે. લાલ, ગુલાબી, લીલા અને પીળા રંગોની સૌથી વધુ માંગ છે. નાના બાળકો માટે સેફ અને સ્કિન-ફ્રેન્ડલી રંગો પણ ઉપલબ્ધ બન્યા છે.
સદર બજાર છેલ્લા ઘણા વર્ષોથી હોળી માટે ખાસ ઓળખ ધરાવે છે. દર વર્ષે અહીં નવી વેરાયટીઓ આવતી રહે છે અને લોકો પરિવાર સાથે ખરીદી કરવા ઉમટી પડે છે. વેપારીઓને આશા છે કે જેમ હોલસેલમાં સારો પ્રતિસાદ મળ્યો છે તેમ તહેવાર નજીક આવતાં રિટેઈલમાં પણ ભારે ઘરાકી જોવા મળશે. આમ રાજકોટમાં હોળીનો માહોલ પૂરેપૂરો જામ્યો છે. બાળકો થી લઈને યુવાનો સુધી દરેક માટે અવનવી પિચકારીઓ અને રંગોની વિશાળ પસંદગી ઉપલબ્ધ છે. હાલની સ્થિતિ જોતા વેપારીઓમાં ખુશી અને આશાવાદ બંને સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.



