ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, ત્યારે હવે નેધરલેન્ડ્સ સામેની છેલ્લી ગ્રુપ મેચમાં ટીમ નવા પ્રયોગો કરી શકે છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપીને મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેને તક મળવાની શક્યતા છે. આગામી મોટા પડકારો પહેલા ટીમ કોમ્બિનેશનને ચકાસવા માટે આ યોગ્ય સમય છે.
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે તેમની આગામી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે છે. ભારતે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચો જીતી છે. પહેલા અમેરિકા અને ત્યારબાદ નામિબિયાને હરાવ્યા બાદ રવિવારે પાકિસ્તાનને પણ ‘સૂર્યા બ્રિગેડે ‘ 61 રને હાર આપી હતી.
- Advertisement -
ખેલાડીઓને આરામ આપવા માટેનો યોગ્ય સમય
ભારત માટે આગામી મેચ કોઈ મોટો પડકાર નથી કારણ કે, ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. પરંતુ અસલી કસોટી સુપર-8માં થશે. જ્યાં ભારતનો સામનો વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા કે ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમો સામે થઈ શકે છે. નેધરલેન્ડ્સ સામેની મેચ પોઈન્ટ ટેબલની દ્રષ્ટિએ મહત્વની ન હોવાથી ટીમ કેટલાક ફેરફાર કરીને મહત્વના ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતા છે.
કયા ખેલાડીઓને આરામ મળી શકે?
- Advertisement -
જસપ્રીત બુમરાહ : આ મહત્વપુર્ણ બોલરને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહ તાવને કારણે અમેરિકા સામે રમી શક્યો નહોતો.
હાર્દિક પંડ્યા : આ મહત્વપુર્ણ ઓલરાઉન્ડરને આરામ મળી શકે છે, પંડ્યા અત્યાર સુધીની ત્રણેય મેચ રમ્યો છે જેના કારણે તેને આરામ આપવો જરૂરી છે.
મોહમ્મદ સિરાજ: બુમરાહની જગ્યાએ સિરાજને તક આપી તેની ક્ષમતા ચકાસી શકાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેટિંગ માટે સાનુકૂળ રહ્યું છે, તેથી બોલરો માટે અહીં અસલી પડકાર હશે.
શિવમ દુબે: હાર્દિકની ગેરહાજરીમાં શિવમ દુબે પાસે નવી બોલથી બોલિંગ કરાવી શકાય છે. તેને પૂરી ચાર ઓવર આપીને ચકાસણી કરી શકાય કે શું તે મોટી મેચોમાં બોલિંગની જવાબદારી ઉઠાવી શકશે.
અન્ય ફેરફારો: પંડ્યા ન રમે તો રિંકુ સિંહ અને અક્ષર પટેલને બેટિંગમાં વધુ સમય મળી શકે છે. આ ઉપરાંત ઈજા બાદ વોશિંગ્ટન સુંદરને પણ વરુણ ચક્રવર્તીના સ્થાને તક આપવામાં આવી શકે છે.
ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટીમ
ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.




