79 વર્ષીય જેક લેવુગલે પોતાની માતા અને માસીની હત્યા કરી હોવાની પણ આપી કબૂલાત: યુએસબી ડ્રાઈવમાંથી મળેલા પુરાવાઓએ વિશ્ર્વને હચમચાવી દીધું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
ફ્રાન્સના ગ્રેનોબલ શહેરમાંથી માનવતાને શરમાવે તેવો એક અત્યંત જઘન્ય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 79 વર્ષીય નિવૃત્ત ફ્રેન્ચ શિક્ષક જેક લેવુગલ પર વર્ષ 1967 થી 2022 દરમિયાન, એટલે કે લગભગ પાંચ દાયકા સુધી 89 સગીરો સાથે બળાત્કાર અને યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસની ગંભીરતાને જોતા પ્રોસિક્યુટર એટિયન મેન્ટોએ આરોપીનું નામ અને તસવીરો સાર્વજનિક કરી છે, જેથી વિશ્વભરમાં ફેલાયેલા પીડિતો સામે આવી શકે.જેક લેવુગલ ફ્રેન્ચ ભાષાના શિક્ષક અને ગુફા અભ્યાસ (સ્પેલિયોલોજી) ના ટ્રેનર તરીકે કામ કરતો હતો. આ વ્યવસાયના બહાને તેણે ભારત, જર્મની, મોરોક્કો, ફિલિપાઈન્સ અને કોલંબિયા જેવા 9 દેશોની મુસાફરી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તે જ્યાં પણ જતો ત્યાં 13 થી 17 વર્ષની વયના કિશોરોને મળતો અને તેમની સાથે યૌન સંબંધ બાંધતો હતો. આ અત્યંત ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપીના ભત્રીજાને તેના પર શંકા ગઈ અને તેના રૂમમાંથી એક ઞજઇ ડ્રાઈવ મળી આવી, જેમાં પીડિતો સાથેના કૃત્યોની તસવીરો અને 15 ભાગમાં લખાયેલી વિગતો હતી. બાળકોના યૌન શોષણ ઉપરાંત, જેક લેવુગલે બે હત્યાઓ કરી હોવાની પણ ચોંકાવનારી કબૂલાત કરી છે. તેણે સ્વીકાર્યું છે કે 1970ના દાયકામાં તેણે પોતાની કેન્સર પીડિત માતાનું અને 1990ના દાયકામાં પોતાની 92 વર્ષની માસીનું ઓશીકાથી ગળું દબાવીને ખૂન કર્યું હતું. માસીની હત્યા પાછળનું કારણ એ હતું કે તેમણે તેને પ્રવાસ પર જવાથી રોક્યો હતો. આરોપીએ પોતાની ડાયરીમાં આ બંને હત્યાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેના આધારે હવે હત્યાની અલગ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ફ્રાન્સના ઇતિહાસનો વધુ એક કાળો અધ્યાય
આ કેસે ફ્રાન્સના અગાઉના કુખ્યાત ડોક્ટર જોએલ લે સ્કુઆર્નેકના કેસની યાદ તાજી કરી છે, જેણે 25 વર્ષમાં 299 દર્દીઓનું યૌન શોષણ કર્યું હતું. પ્રોસિક્યુટર મેન્ટોએ જણાવ્યું હતું કે આરોપી જેક લેવુગલ હાલ 2024થી કસ્ટડીમાં છે અને તેનું નામ જાહેર કરવાનો મુખ્ય હેતુ એવા પીડિતોને ન્યાય અપાવવાનો છે જેઓ હજુ સુધી સામે આવ્યા નથી. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બાળ સુરક્ષા અને દેખરેખની સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.



