રંગીલા રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે લૂંટ, ચોરી, મર્ડર, દુષ્કર્મ, છેડતી, જાહેરમાં મારામારી, અંધાંધૂંધ ફાયરિંગ સહિતના બનાવોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને બેહાલ બની ગઈ છે ત્યારે પોલીસની ઢીલી નીતિના પાપે રાજકોટમાં વર્ષ 2025માં 4 લોકોની કરપીણ હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે 41-41 લોકોની હત્યાથી ભારે સનસનાટી મચી જવા પામી છે જે 41 મર્ડરના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે તેમાં પોલીસે 13 સગીર સહીત 81 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
13 સગીર સહીત 81 આરોપીઓએ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી પોતાના હાથ લોહીથી રંગી નાખ્યા છે.
છેલ્લા 4 વર્ષના આંકડાની વાત કરીએ તો 2021માં 29, 2022માં 33, 2023માં 42 અને 2024માં 33 હત્યા નોંધાઈ છે.
મહત્વની વાત એ છે કે રાજકોટમાં વર્ષ 2025માં નોંધાયેલા હત્યાના બનાવોમાં લગભગ તમામ બનાવો ડિટેકટ થઇ ગયા છે અને આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
કયા વર્ષે કેટલી હત્યા ?
- Advertisement -
2021 : 29
2022 : 33
2023 : 42
- Advertisement -
2024 : 33
મર્ડરના 41 બનાવમાં 13 સગીર સહિત 81 આરોપીએ લોહીથી હાથ રંગ્યા !
રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવામાં પોલીસ નિષ્ફ્ળ નીવડી હોય તેમ આ વર્ષે એટલે કે 2025માં પણ હત્યાના બનાવોથી રાજકોટ શહેર સતત ધમધમતું રહ્યું હતું પોલીસની નિષ્ક્રિયતા કહો કે લોકોમાં વધતો જતો આક્રોશ જે કંઈપણ હોય તેનો ભગો 41 લોકોને બનવું પડ્યું છે ક્યાંક પૈસાની લેતીદેતી, તો ક્યાંય જૂની અદાવત, તો ક્યાંક મશ્કરી જેવી નજીવી બાબત તો ક્યાંક પૈસાની લાલચ તો ક્યાંક પ્રેમ પ્રકરણ હત્યા પાછળ કારણભૂત બન્યા છે રંગીલા રાજકોટમાં નોંધાયેલા હત્યાના 41 બનાવોથી રાજકોટની શાંતિ હણાઈ ગઈ છે દિવાળી પર્વ ટાણે જ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના નોંધાઈ હતી તે પછી તે જ ઝઘડામાં સામા પક્ષે ઘવાયેલા યુવાને પણ દમ તોડી દેતા ટ્રિપલ મર્ડર નોંધાયા હતા તે પછી દિવાળી શૃંખલામાં જ પ્રનગર વિસ્તારમાં પણ એક હત્યાનો બનાવ નોંધાયો હતો આમ છાશવારે પોલીસ ચોપડે નોંધાતા હત્યાના બનાવોથી લોકો પણ ભયભીત થઇ ગયા હતા જો કે મોટાભાગના બનાવોમાં રાજકોટ પોલીસે ત્વરિત કામગીરી કરીને આરોપીઓને ઝડપી લઇ જેલભેગા કરી દીધા હતા હાલ 2025માં નોંધાયેલા 41 મર્ડર પૈકી એકપણ કેસ અનડિટેક્ટ નથી. હત્યા થાય તે વાત સ્વાભાવિક છે પરંતુ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપે તે પૂર્વે આરોપી સો વખત વિચારે તેવી કડક કાર્યવાહી જો પોલીસ દ્વારા કરવામાં આવે તો હત્યા જેવા સંગીન ગુના કરતા આરોપી એક વખત તો જરૂરથી વિચારે જ પણ તેના માટે પોલીસે કડક વલણ અપનાવવાની જરૂર છે ગુનેગારોને જાણે પોલીસનો, જેલનો કે કાયદાનો કોઈ ભય જ ન હોય તેમ હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતા જરાપણ અચકાતા નથી ગુનેગારો ગુનાનો માર્ગ અપનાવી પોલીસને પડકાર ફેંકતા હોય છે ત્યારે આવા બેલગામ બનેલા ગુનેગારો બીજી વખત ગુનો ન આચરે અને કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે તેવી પોલીસ કડક કાર્યવાહી કરે તે દિશામાં પોલીસને કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.
પતિએ પત્નીની હત્યા કર્યાના 4 બનાવ
2025માં પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના 41 બનાવોમાં પતિએ પત્નીની હત્યા કરી હોય તેવા 4 કિસ્સા નોંધાયા છે જેમાં ઓગષ્ટ મહિનામાં પતિ રામશરણએ પત્ની કમલીબાઈની હત્યા કરી હતી ઓક્ટોબર મહિનામાં પતિ જયેન્દ્રભાઈએ પત્ની મંજુલાબેન સગરની હત્યા કરી પોતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઇ ગયા હતા નવેમબર મહિનામાં નાગેશ્વર વિસ્તારમાં પતિ લાલજી પઢિયારે પત્ની તૃષાબેન પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દઈ પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો તેમજ ભગવતીપરામાં રહેતી સ્નેહાબેનની ખુદ પતિ હિતેશ આસોડીયાએ હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિની ધરપકડ કરી હતી જયારે કોઠારીયા રોડ ઉપર પત્ની સ્મિતાબેનએ પતિ નરેશભાઈ વ્યાસની હત્યા કરી હતી તે અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બે માતાના હાથે પુત્ર, બે પુત્રીની હત્યા થતા ચકચાર
થોરાળા વિસ્તારમાં રહેતા ભાવનાબેન કીહલા તેના 5 વર્ષીય પુત્ર રાયધનને મુકવા જવાનું કહી નીકળી ગઈ હતી અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાવરું કુવામાં ફેંકી દઈ હત્યા કરી હતી જે અંગે પરિવારજનોએ થોરાળા પોલીસ સ્ટેશનમાં વાત કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને એરપોર્ટ પોલીસે ગુનો નોંધી હત્યારી માતાની ધરપકડ કરી હતી જયારે તાજેતરમાં પુત્રની પ્રાપ્તિ નહીં થતા નવાગામમાં અસ્મિતાબેને બે દીકરી પ્રિયાંશી અને હર્ષિતાની ગળેટુંપો દઈ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો તે બેવડી હત્યા અંગે પણ ગુનો નોંધાયો હતો.
ડબલ મર્ડરની બે અને ટ્રિપલ મર્ડરની એક ઘટના
41 પૈકી એક ડબલ મર્ડર અને એક ટ્રિપલ મર્ડરની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમાં અમિત જૈન અને વિકાસ જૈનને 11 ફેબ્રુઆરીએ સંજય ગુપ્તા અને વિજય ગુપ્તાએ રહેંસી નાખ્યા હતા જયારે દિવાળી ટાણે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણ યુવકોની હત્યા થઇ હતી.
સૌથી વધુ બી ડિવિઝન વિસ્તારમાં હત્યાના 8 બનાવ
બી ડિવિઝન : : 8
આજી ડેમ : : 7
ગાંધીગ્રામ : : 4
કુવાડવા : :4
ભક્તિનગર : : 4
માલવીયાનગર : 4
યુનિવર્સીટી : : 2
પ્રનગર : 2
એરપોર્ટ : 2
થોરાળા : 2
તાલુકા : 1
એ ડિવિઝન : 1



