વડતાલધામ સંચાલિત મંદિરે ડ્રાયફ્રૂટ અન્નકૂટ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ભક્તો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત રાજકોટ સ્થિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે રવિવારે ભક્તિસભર માહોલમાં વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત વિવેકસાગર દાસજી સ્વામી તથા મુખ્ય મંદિરના મહંત રાધારમણ સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં વયોવૃદ્ધ કોઠારી હરિચરણદાસજી સ્વામી સહિત વિવિધ ધામોના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમોની રૂૂપરેખા: ઉત્સવનો પ્રારંભ સવારે 10:30 કલાકે ભવ્ય ડ્રાયફ્રૂટ અન્નકૂટ દર્શનથી થયો હતો, જેની આરતી બપોરે 12:00 કલાકે કરવામાં આવી હતી.
ત્યારબાદ 11:15 કલાકે ઢોલ-નગારાના નાદ સાથે મંદિરના શિખર પર દિવ્ય ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી. સાંજે 4 થી 5:30 દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ અને 6:15 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.
શાકોત્સવનું વિશેષ મહત્વ: સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ સાંજે 7 થી 9:30 કલાક દરમિયાન ભવ્ય શાકોત્સવ યોજાયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોએ દાદાના સાનિધ્યમાં પ્રસાદીભૂત શાકોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
મંદિરના કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સંતોના આશીર્વાદથી આ આયોજન દિવ્ય રીતે સફળ રહ્યું છે.



