સમાજ સમક્ષ ચહેરો ઉજાગર કરીને બગવદર પોલીસે આપી કડક ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના બગવદર વિસ્તારમાં રહેતી એક યુવતીને વોટ્સએપ સહિતના સોશ્યલ મીડિયા માધ્યમથી બદનામ કરવાનો પ્રયાસ કરનાર એક શખ્સને બગવદર પોલીસે ઝડપી લીધો છે. આરોપીના કૃત્યને ગંભીરતાથી લઈ બગવદર પોલીસએ તેનો ચહેરો સમાજ સમક્ષ ઉજાગર કર્યો છે જેથી આવાં ગુન્હાગાર મનસૂબાવાળાઓને કડક સંદેશ મળે. બગવદર પોલીસમથકના સબ ઇન્સ્પેક્ટર આશિષ બારાએ જણાવ્યું કે ફરિયાદી યુવતીને સોશ્યલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવાની ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યું કે ખાપટ તાલુકાનો રહેવાસી હરીશ સીદી કેશવાલા નામનો શખ્સ ફેક આઈડી બનાવી પોતાનો ચહેરો અને ઓળખ છુપાવી વોટ્સએપ મારફતે યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરી યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે રીતે મેસેજ મોકલવામાં આવ્યા હતા. પોલીસના અનુસાર, આવા કિસ્સાઓમાં પડદા પાછળ રહી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરતા આરોપીઓનું ચહેરું અને ઓળખ સમાજ સમક્ષ લાવવા જરૂરી છે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને સમાજમાંથી આવા દૂષણને દૂર કરી શકાય. જાહેર જનતાને પોલીસે અપીલ કરતા જણાવ્યું કે હાલના ડિજિટલ યુગમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પર ફેક આઈડી બનાવી મહિલાઓ, દિકરીઓ અથવા કોઈ પણ વ્યક્તિના ફોટા-વિડિયો તેમની સંમતિ વગર વાયરલ કરવું, અપશબ્દો બોલવા, બ્લેકમેઇલ કરવું, અશ્લીલ મટિરિયલ મોકલવું કે માનસિક ત્રાસ આપવો – આ બધું કાયદાકીય રીતે ગંભીર ગુન્હો ગણાય છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા હોય તો કોઈપણ પ્રકારના ડર કે ભય વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે. પોલીસએ ફરીયાદીની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે. બગવદર પોલીસે કરેલી આ ઝડપી અને કડક કાર્યવાહીએ વિસ્તારના લોકોમાં વિશ્વાસ વધાર્યો છે અને સોશિયલ મીડિયા દુરુપયોગ કરનારાઓને સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે કે આવા કૃત્યોને કોઈપણ રીતે બખ્શવામાં નહીં આવે.



