મગફળી ખરીદીમાં અઘરા માપદંડ દર્શાવી ખેડૂતો સાથે છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ધ્રાંગધ્રા પંથકમાં મગફળી ખરીદી દરમિયાન ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદના લીધે જ્યારે ખેડૂતોને કપાસ અને મગફળીના પાકો સાવ નષ્ટ થયા છે ત્યારે બીજી તરફ હાલમાં જ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પાસેથી ખરીદી કરેલ કપાસમાં કડદો હોવાનું જણાવી વેપારી દ્વારા નીચા ભાવે કપાસ ખરીદી કરવાનું કાવતરું ઉઘાડી પડ્યું છે તેવામાં કપાસની માફક મગફળી ખરીદીમાં પણ ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ ઉઠી છે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા આ અંગે છેક રાજ્યના મુખ્ય મંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે તેઓએ જણાવ્યું હતું કે મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે ખેડૂતો પૂરા ન પાડી શકે તેવા માપદંડો દર્શાવી ખેડૂતોની મગફળી હલકી ગુણવત્તાની હોવાનું દર્શાવવામાં આવે છે જેના લીધે ખેડૂતોની મગફળી નીચા ભાવે ખરીદી કરી અથવા તો ગુણવત્તા દર્શાવવાના નામે ખેડૂતો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે જેથી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ સામે આવે છે જેને લઇ ધ્રાંગધ્રા પંથકના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી મગફળી ખરીદીમાં ખેડૂતોના માપદંડ હળવા રાખવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.



