માણસનું હૃદય ધબકતું બંધ થઈ જાય એની થોડી મિનિટો બાદ ડૉક્ટરો માણસનું મૃત્યુ થયાનું જાહેર કરી દેતા હોય છે. પણ શું એવું બની શકે કે હૃદય ધબકતું બંધ થઈ જાય એ પછી અમુક મિનિટો નહીં પૂરા 40 કલાક સુધી બંધ રહ્યા બાદ હૃદય ફરી ધબકતું થાય? અશક્ય લાગે એવી આ વાત ચીનમાં ખરેખર બની છે. આમ બન્યું એની પાછળ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પરંતુ આધુનિક મેડિકલ સાયન્સની એક એવી શક્તિ છે, જે મૃત્યુ સાથે સ્પર્ધા કરે છે.
હૃદય બંધ થયું, પણ આશા ન હારી
- Advertisement -
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત આ ઘટનાની વિગત એવી છે કે ચીનમાં એક 40 વર્ષના પુરુષનું હૃદય અચાનક બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોએ તેને ફરીથી ધબકાવવા ઘણાં પ્રયત્નો કર્યા. ડિફિબ્રિલેશન એટલે કે ઇલેક્ટ્રિક આંચકા પણ આપવામાં આવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. સામાન્ય રીતે હૃદય બંધ થયાના થોડીક મિનિટોમાં જ મગજને નુકસાન થવા લાગે છે, પરંતુ આ માણસના કેસમાં ડૉક્ટરોએ હાર ન માની.
‘ECMO’ નામનું સુપરહીરો મશીન
ડૉક્ટરોએ એક ખાસ મશીનનો ઉપયોગ કર્યો જેને ECMO એટલે કે એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ટૂંકમાં એક્મો) કહેવાય છે. આ એક જીવન બચાવતું મશીન છે, જે શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કરે છે. જ્યારે દર્દીનું પોતાનું હૃદય કામ કરતું ન હતું, ત્યારે એક્મો તેના શરીરમાં ઓક્સિજનયુક્ત લોહી પમ્પ કરતું રહ્યું અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરતું રહ્યું. આ એક સફળ તબીબી પ્રક્રિયા હતી જેણે દર્દીને જીવતો રાખ્યો.
- Advertisement -
40 કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા
દર્દીનું હૃદય લગભગ 40 કલાક સુધી સ્વતંત્ર રીતે ધબક્યું નહીં. આ દરમિયાન એક્મો મશીન તેના જીવનનો આધાર બની રહ્યું. ડૉક્ટરો અને નર્સો તેની સતત દેખરેખ રાખતા હતા કારણ કે એક્મોના ઉપયોગ વખતે લોહી ગંઠાઈ જવું (બ્લડ ક્લોટ) અથવા રક્તસ્ત્રાવ થવા જેવી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. દર્દીને IABP (બલૂન પંપ) જેવા અન્ય સાધનો વડે પણ મદદ કરાઈ હતી.
સ્થિતિ પૂર્વવત થતાં 10 દિવસ લાગ્યા
40 કલાક એક્મોના સહારે જીવેલા દર્દીનું હૃદય ફરીથી ધબકવા તો લાગ્યું, પણ ધબકારા અનિયમિત હતા. ડૉક્ટરો અને નર્સોની 10 દિવસની સારવાર બાદ હૃદય ફરીથી સામાન્ય રીતે ધબકવા લાગ્યું. ડૉક્ટરોએ જણાવ્યું કે તેને ‘ફૂલમિનેન્ટ મ્યોકાર્ડિટિસ’ (હૃદયના સ્નાયુમાં સોજો) હતો, જે એક ગંભીર બીમારી છે. એક્મો મશીને તેના હૃદયને આરામ કરવાની અને સાજા થવાની તક આપી. 20 દિવસમાં તે એટલો સ્વસ્થ થઈ ગયો કે જાતે જ ચાલીને ઘરે ગયો.
શું આ ચમત્કાર છે?
‘ચમત્કાર’ જેવી લાગતી આ ઘટના યોગ્ય સમયે મળેલી આધુનિક ટેક્નોલોજી અને નસીબનો સુમેળ હતો. આ સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. ચીનમાં માત્ર મશીન ચાલુ કરવા માટે લગભગ 50,000 યુઆન (લગભગ 7,000 ડૉલર) ખર્ચ થાય છે, અને પછી દરરોજના 10,000 યુઆન ખર્ચ થાય છે.
એક્મોનું ભવિષ્ય અને જોખમો
એક્મો ટેકનોલોજીએ જીવન બચાવવાના દરમાં ઘણો વધારો કર્યો છે. સામાન્ય CPRની સરખામણીમાં, એક્મોના ઉપયોગથી કાર્ડિયાક અરેસ્ટના દર્દીઓના બચવાની શક્યતા 1% થી વધીને 50% સુધી પહોંચી શકે છે. જો કે, આ સારવાર દરમિયાન સ્ટ્રોક, કિડની ફેલ્યર અને માનસિક તણાવ જેવી આડઅસરોનો પણ ભય રહે છે. આ મશીનનો ઉપયોગ હાર્ટ એટેકના દર્દીઓ ઉપરાંત હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કરાવતા લોકોને કામચલાઉ સહાય પૂરી પાડવા માટે પણ થાય છે.




